Abtak Media Google News
  • એમએસએમઇ ફેસિલિટેશન કાઉન્સિલમાં કેસોનો ફટાફટ નિકાલ કરવા તંત્ર સજ્જ
  • કુલ 7 જિલ્લાના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોના 1800 જેટલા કેસ, તમામને 6-6 મુદત આપવાની હોવાથી વધુ સમય કેસો પેન્ડિંગ ન રહે તે માટે 13, 17 અને 27 જુલાઈએ રાજકોટ ચેમ્બરના હોલમાં ગોઠવાશે ખાસ કેમ્પ

એમએસએમઇ ફેસિલિટેશન કાઉન્સિલમાં કેસોનો ફટાફટ નિકાલ કરવા તંત્ર સજ્જ બન્યું છે. ઉદ્યોગોના ફસાયેલા નાણાં પરત અપાવવા અધિક કલેકટર ત્રણ કેમ્પ યોજશે. કુલ 7 જિલ્લાના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોના 1800 જેટલા કેસ હોય તમામને 6-6 મુદત આપવાની હોવાથી વધુ સમય કેસો પેન્ડિંગ ન રહે તે માટે 13, 17 અને 27 જુલાઈએ રાજકોટ ચેમ્બરના હોલમાં ખાસ કેમ્પ ગોઠવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના એમએસએમઇ ફેસિલિટેશન કાઉન્સિલના કેસો અધિક કલેકટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ગઈકાલે 25 કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસોમાં 2.83 કરોડના નાણા ફસાયેલા હોય, ઉદ્યોગકારોને સાંભળવામાં આવ્યા હતા અને તે દરમિયાન રૂ.12.87 લાખની રિકવરી પણ કરી લેવામાં આવી હતી.

રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. જેને સ્મોલ એન્ટરપ્રાઈઝ ફેશીલીએશન રિજયોનલ કાઉન્સિલ નામ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટના રેસિડેન્ટ કલેક્ટર ચેતન ગાંધીને અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) રીઝનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત છે. આ રીઝનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીઝનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રીજ્યોનલ કાઉન્સિલમાં સંબંધિત ઝોન લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની તેમની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ કરવાના હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં સૌથી ઝડપી સૌરાષ્ટ્ર ઝોનનું બોર્ડ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના કુલ પેન્ડિંગ કેસોની સંખ્યા 1800 છે. જે કેસો પૂર્ણ કરવા ઝડપી કામગીરી કરવામાં આવશે.

આ માટે રાજકોટ ચેમ્બરના હોદેદારો વી.પી. વૈષ્ણવ અને પાર્થ ગણાત્રાની રજૂઆતને પગલે આ કેસોનો કેમ્પ ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી 13 જુલાઈ, 17 જુલાઈ અને 27 જુલાઈએ રાજકો ચેમ્બરના હોલમાં કેસોનો ખાસ કેમ્પ યોજાનાર છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રિજ્યોનલ કાઉન્સિલ હેઠળ આવતા કેસોનું 90 દિવસના સમય મર્યાદામાં તેનું નિરાકરણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે ઉદ્યોગકારોને રિજનલ કાઉન્સિલના નિર્ણયને પડકારવો હોય તો તેઓએ 75 ટકા રકમ ભરી જિલ્લા કોર્ટમાં કેસ ચલાવી શકશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.