- અધિક કલેકટર ચેતન ગાંધીએ સરપ્રાઈઝ ચેકીંગ કરતા મોડા આવતા હોય તથા આવ્યા જ ન હોય તેવા ડઝનેક કર્મચારીઓ નિકળ્યા
હવે કલેકટર કચેરીમાં તમામ સ્ટાફે 10:45 પહેલા આવી જવુ પડશે. અનેક કર્મચારીઓ મોડા આવતા હોય અધિક કલેકટરે કડક વલણ દાખવી તમામને આખરી વોર્નિંગ આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનેક કર્મચારીઓ 11 આસપાસ આવતા હોય, અમુક કર્મચારીઓ હાજરી પુરી બહાર ચા પાણી પીવા ચાલ્યા જતા હોય, આ તમામ બાબતો ધ્યાને આવતા અધિક કલેકટર ચેતન ગાંધીએ આજે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. તમામ વિભાગોના હાજરી પત્રક તેઓએ મંગાવી લીધા હતા.
જેમાં ડઝનેક કર્મચારીઓ હજુ આવ્યા ન હોવાનું જાણવાં મળતા તમામને આવે ત્યારે હાજરી પૂરવા પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. આ વેળાએ મોડા આવેલ તમામ કર્મચારીઓ પાસેથી અધિક કલેકટરે ખુલાસા માંગ્યા હતા અને તમામને આવતીકાલથી 10:45 પહેલા કચેરીએ પહોચી કામ શરૂ કરી દેવાની વોર્નિંગ આપી હતી. ખાનખાણીજ, પુરવઠા, આયોજન, જમીન સંપાદન, મ.ભ.યો. સહિતની સાત બ્રાન્ચના હાજર પત્રક અધિક કલેકટરે મંગાવી લઈ ચેકીંગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ કલેકટર કચેરીમાં શિસ્તને લઈને ચેકીંગ હાથ ધરાયુ હોય તેવો બનાવ બન્યો છે. હવે જે કર્મચારીઓ કચેરીએ આવવા તથા જવામાં સમયને લઇને ડાંડાઈ કરતા હશે તેઓ સામે કાર્યવાહી થવાના એંધાણ મળી રહ્યા છે