- વેપારી પાસેથી એક વર્ષ પૂર્વે 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાયો હતો : અન્ય એક પેઢીને મિનરલ વોટરના નામે અયોગ્ય પાણી વેચવા બદલ રૂ.50 હજારનો દંડ
અબતક, રાજકોટ : એક વર્ષ પૂર્વે 1600 કિલો ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો પકડાયા બાદ તે વેપારીને અધિક કલેકટર દ્વારા રૂ. 5 લાખનો દંડ તેમજ અન્ય એક પેઢીને મિનરલ વોટરના નામે અયોગ્ય પાણી વેચવા બદલ રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લામાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 હેઠળ વિવિધ એકમો તથા પેઢીઓની સંબંધિત ફૂડ સેફટી ઓફિસર દ્વારા કરવામાં આવેલી તપાસણી બાદ અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ફૂડ સેફટી કોર્ટમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ એક વર્ષ પૂર્વે બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલ પમ્પ નજીક ભુતખાના ચોકમાં વોચ ગોઠવી હતી. શહેરમાં ભેળસેળયુકત પનીર સપ્લાય થતું હોવાની માહિતી પરથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝી. ઓફિસર ડો.હાર્દિક મહેતા, ફૂડ ઓફિસર આર.આર.પરમાર, કે.એમ.રાઠોડ દ્વારા બાતમી મુજબનું બોલેરો વાન નં. જીજે 04 એડબલ્યુ 3877 અટકાવ્યુ હતું અને તેમાં તલાસી લેતા વાહનમાં પનીરની સપ્લાય કરતા રામનાથપરા મેઇન રોડ પરના ધંધાર્થી ઇમ્તીયાઝ જુમ્માભાઇ કાનીયાની પુછપરછ કરતા, તે દોઢ વર્ષથી શહેર અને આજુબાજુના તાલુકાના વિસ્તારોમાં પની સપ્લાય કરતા હોવાનું કબુલ્યું હતું.
આ વાહનમાં 20-20 કિલોના 80 બોકસ મળી 1600 કિલો લુઝ પનીરનો જથ્થો મળ્યો હતો. આ જથ્થો ભાવનગર જિલ્લાના મહુવાના મેસવાડ ગામે આવેલા રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યાનું ખુલતા તેની પાસેથી આઠ ઇ-વે બીલ પકડી ત્યાં તપાસ શરૂ કરી હતી . રૂા. 190 લેખે આ 3.04 લાખનો જથ્થો ભેળસેળયુકત હોવાનું તેણે સ્વીકારતા પૂરા માલનો નાશ કરી દેવામાં આવ્યો હતો. તો ફૂડ એકટ મુજબ નમુનો પણ લેવાયો છે. આ પછી જથ્થો મંગાવનાર વેપારીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, તેણે આ જથ્થો ભાવનગરના મહુવાની રામકૃષ્ણ ડેરીમાંથી ગતરાત્રે મંગાવ્યો હતો. આ પનીર તેણે 190 રૂપિયે કિલોની કિંમતે મંગાવ્યા બાદ અહીંની આઠ જેટલી નામાંકિત ડેરીઓમાં ઉંચી કિંમતે વેચવાનો હતો. આ ઉપરાંત અન્ય સ્થળે પણ પનીરની સપ્લાય કરવામાં આવવાની હતી. પનીરનો આ જથ્થો એક મોટા ટેમ્પોમાં ભરીને રાજકોટ આવ્યો હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં અધિક કલેકટર ચેતન ગાંધીએ તમામ કાયદાકીય પાસાઓ ધ્યાનમાં રાખીને વેપારીને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગિરીશ લાલજી શીંગાળા નામના વેપારી પાસેથી મહાનગરપાલીકા દ્વારા મિનરલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે ફેઈલ ગયા હતા. આ વેપારી 200 એમએલ, 500 એમએલ પાણીની બોટલ વેચતા હતા. મળતી માહિતી અનુસાર આ વેપારીએ પાણીનો ધંધો બંધ કરી દીધો હતો પણ છેલ્લો જે સ્ટોક વધ્યો હતો તે પકડાયો હતો. તેમાં વેપારીને અધિક કલેકટર દ્વારા રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.