- અખાદ્ય વસ્તુઓ બનાવતા અને વેંચનાર સામે આકરી કાર્યવાહી
- નિલોસની ટુટીફુટી સબ સટાન્ડર્ડ જાહેર થતા માલિકને દોઢ લાખનો દંડ : પનીર, દૂધ, ઘીના અનેક વેપારીઓ પણ દંડાયા
અબતક, રાજકોટ
અખાદ્ય વસ્તુઓ બનાવતા અને વેંચનાર સામે અધિક કલેકટર ચેતન ગાંધીએ આકરી કાર્યવાહી કરી છે. જેમાં ફૂડ સેફટીના 8 કેસમાં 11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં નિલોસની ટુટીફૂટીનો કેસ પણ હતો. જે સબ સટાન્ડર્ડ જાહેર થતા માલિકને દોઢ લાખનો દંડ ફટકારાયો છે. આ સાથે પનીર, દૂધ, ઘીના અનેક વેપારીઓ પણ દંડાયા છે.
અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ગઈકાલે ફૂડ સેફટી કોર્ટ ચલાવવામાં આવી હતી. જેમાં મહાપાલિકાના ફૂડ વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેસો મુકવામાં આવ્યા હતા. બન્ને પક્ષે રજૂઆતો સાંભળીને અધિક કલેકટર દ્વારા દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં નિર્લોસ એન્ટરપ્રાઈઝ (જલગાવ- મહારાષ્ટ્ર)ની ટુટીફૂટી જે દેશભરમાં પ્રખ્યાત છે તેના અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હોય જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. કંપનીના માલિક ઉજ્જવલ સિંઘને 1.5 લાખનો દંડ અને ડિસ્ટ્રીબ્યુટર ધ્રુમિલ અરુણ કારીયાને 10 હજારનો દંડ અધિક કલેકટર દ્વારા ફટકારવામાં આવ્યો છે.
જેતપુરના ઉમરાળીના પ્રવીણ દેવસી ભૂંડિયા પાસેથી 160 લીટર દુધના સેમ્પલ લેવામાં આવ્યા હતા.તેમાં વેજીટેબલ ઓઈલના ક્ધટેન્ટ મળ્યા હતા.તેને રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખટાણા દેવાયતભાઈ વસ્તાભાઈ પાસેથી 50 કિલો અને 30 કિલો બે અલગ પનીરના નમૂના લીધા હતા. તે સબ સ્ટાન્ડર્ડ થયા હતા. તેમાંથી વેજીટેબલ ઓઈલના ક્ધટેન્ટ મળ્યા હતા. તેઓને 50 કિલો વાળા કેસમાં 25 હજારનો દંડ અને 30 કિલો કાળા કેસમાં 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વલગા કોર્પોરેશનના ભુવનેશ દિપક ચંદ્રાણી પાસેથી નયનદીપ પ્યોર ઘીના 15 કિલોના 12 ટીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તેમાં પેઢીને 2.5 લાખ અને ઓનરને 2.5 લાખનો દંડ મળી કુલ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મુકેશ શિવલાલ નથવાણી જેઓ નંદગ્વાલ પ્યોર કાઉ ઘી ધમાલપર- તરઘડી ખાતેથી વેચે છે. તેઓના 500 એમએલના 384 નંગના નમૂના લીધા હતા. જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હોય જે બદલ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની પાસેથી જ કુંજ કાઉ ઘી 15 કિલોના 10 ડબા હતા તેમાં પણ 1 લાખનો દંડ મળી કુલ 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોઠારિયા રોડ ઉપર દૂધની ડેરીમાં ભરતભાઇ ભુવા પાસેથી દુધનો નમૂનો લેવામાં આવ્યા હતા. પ્રતીક વિનુભાઈ વસાણી તે પેઢીના માલિક હતા. 30 લીટર દૂધના નમૂના લીધા હતા. બન્નેને રૂ.10-10 હજાર મળી 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યા છે.