હોસ્પિટલમાં કોરોનાની અપાતી સારવારની વિસ્તૃત માહિતી મેળવી, દર્દીઓ માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ હાથ ધરરી
અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આજે સવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં થઇ રહેલા કોરોનાના ટેસ્ટ, પોઝિટિવ કેસોની અને કોરોનાના એક્ટિવ કેસોની ટકાવારી, રીકવરી રેઇટ, ડેથ રેઇટ, રીકવર થયેલા અને મૃત્યુ પામેલા દર્દીઓનું સાપેક્ષ પ્રમાણ વગેરે બાબતોની વિતારપૂર્વક ચર્ચા કરી હતી, અને આધિકારિક સૂચનો કર્યા હતા. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરાયેલા ગ્રાફ અને ટેબલ્સ અંગે પંકજકુમારે ઉપસ્થિતો પાસેથી જરૂરી તમામ વિગતો જાણી હતી.
સ્થાનિક કોરોના સંક્રમણ કોઇ પણ ભોગે અટકાવવા અને આ માટે પાયાના સ્તરે વધુ સક્ષમ કાર્યવાહી કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતુ.
સાંજે પંકજકુમારએ રાજકોટ કોવિડ- હોસ્પિટલની મુલાકાત વેળાએ કંટ્રોલરૂમમાંથી આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટરો પાસેથી દર્દીઓને અપાતી સારવારની વિગતો જાણી હતી. આ તકે વોર્ડમાં દાખલ નિર્મલાબેન નામના દર્દીના ખબર અંતર પુછ્યા હતા.
પંકજકુમારે હાલ કોવિડ હોસ્પિટલમાં કુલ કેટલા બેડની સુવિધા અંગે સવાલ કરતા ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે, નવા બિલ્ડીંગમાં ૪૧૦ અને જુના બિલ્ડીંગમાં ૧૦૨ મળીને કુલ ૫૧૨ બેડની વ્યવસ્થા છે. જેમાં ઓક્સીઝનની જરૂરીયાત ઉભી થાય તેવા દર્દીઓ માટે ૨૫૦ બેડ છે. અને આઇ.સી.યુ.ની સુવિધા વાળા ૪૦ બેડ ઉપલબ્ધ છે.વધુ જરૂરીયાત ઉભી થયે તબક્કાવાર બેડની સંખ્યા વધારવામા આવનાર છે.
વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની પણ તેઓએ જાણકારી મેળવી હતી. દર્દીઓને આપવામાં આવતું ભોજન, દર્દીઓના સગાઓની રહેવા જમવાની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટેની વ્યવસ્થા વગેરે બાબતોની વિસ્તૃત પૂછપરછ કરીને વિગતો જાણી હતી. તંત્ર દ્વારા સારૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં વિષય-વસ્તુની જરૂરીયાતને ધ્યાને લઈને આયોજન કરવા પંકજકુમારે સુચન કર્યું હતું.
આ મુલાકાત વેળાએ ઉદ્યોગ સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, લાયેઝન અધિકારી ડો. દિનકર રાવલ, વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી, ડીન ડો. ગૌરવી ધૃવ તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.