સર્વેશ્વર ચોકમાં યુવાનની રેકી કરીને માર માર્યો હોવાના પુરાવા પોલીસે રજૂ કરતાં કાર્યવાહી
લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં સર્વેશ્વર ચોકમાં યુવાન પર ખૂની હુમલો કરવામાં પોલીસને અગાઉ દેવાયત ખવડ સહિતના સાગરીતોએ કાવતરું રચ્યું હોવાના પુરાવા મળતા કેસમાં કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ પરિવાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડાના કારણે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ સંપતસિંહ રાણા સાથે ઘર્ષણ થયું હતું. પટેલ પરિવાર અને રાણા પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન લંડન સ્થીત જય પટેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી થઇ હતી અને તેને વિદેશથી ઇન્સ્ટાગ્રામ દ્વારા બેફામ વાણી વિલાશ કર્યો હતો.
જેમાં જય પટેલના લાઈવમાં મયુરસિંહ રાણા પણ ઝંપલાવ્યું હતું. જેમાં છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ સર્વેશ્ર્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા પર પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
દેવાયત ખવડ અને તેના સાગરીતોના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા બાદ હાલ તેઓ જેલ હવાલે છે. જેમાં પોલીસને દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા ઘટના સ્થળની આસપાસ રેકી કરી હોવાનુ અને કાવતરું રચી માર માર્યો હોવાનું સામે આવતા હવે કેસમાં કાવતરાની કલમનો પણ ઉમેરો થશે. જેથી લોક સાહિત્યકારની મુશ્કેલીમાં વધારો થશે. પોલીસે કાવતરાની કલમનો ઉમેરો કરવા રિપોર્ટ રજૂ કર્યો છે. રીપોર્ટમાં દેવાયત ખવડએ કાવતરું રચીને મારવા ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે. હુમલા પૂર્વે મયુરસિંહ રાણાની ઓફિસ પાસે રેકી કર્યાનું પણ સીસીટીવી ફૂટેજમાં પોલીસને જોવા મળતા કાવતરાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.