સૌ.યુનિ., સુરક્ષા સેતુ સોસાયટી અને ઈન્ડિયન મેડિકલ એસો.નાં સંયુકત ઉપક્રમે યુવાનોને વ્યસનમુકત કરવાનું અભિયાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સુરક્ષા સેતુ સોસાયટી તથા ઈન્ડિયન મેડિકલ એસોસીએશનનાં સંયુકત ઉપક્રમે રાજકોટ શહેરનાં યુવાનોને વ્યસન મુકત કરવાનું અભિયાન હોય કાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગીતાંજલિ કોલેજ દ્વારા રેડક્રોસ હોલ ખાતે ૬૦૦ થી ૭૦૦ વિદ્યાર્થીઓનાં સમુહને વ્યસન મુકત કરવા અંગે કાર્યક્રમ યોજાયો હતો. ઈન્ડિયન મેડીકલ એસોસીએશનનાં ડો.અમિત પટેલ, ગીતાંજલિ ગૃપનાં ચેરમેન શૈલેષ જાની વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે આ વર્ષે મુકવામાં આવેલા ચાર પ્રકલ્પોમાં વ્યસનમુકિતનાં પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનાં નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્વની છે ત્યારે આપ વ્યસન મુકત બનો અને અન્યને વ્યસન મુકત બનાવો તેવી અપીલ કરું છું. કાર્યક્રમનાં ઉદઘાટક તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા ડો.મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે, ઉતમ ભવિષ્યનાં નિર્માણ માટે યુવા જાગૃતિ અનિવાર્ય છે. પહેલુ સુખ તે જાતે નર્યા, જેનું શરીર સ્વસ્થ હશે તેનું મન સ્વસ્થ હશે અને જેનું મન સ્વસ્થ હશે તેના વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર સ્વસ્થ હશે.
તો સૌ યુવાનો વ્યસન મુકત થઈ ઉતમ ભવિષ્યનાં નિર્માણમાં યોગદાન આપો અને સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટે સંકલ્પબઘ્ધ થાઓ. ભારતીય રેડક્રોસ સોસાયટીનાં સેક્રેટરી ડો.ભપ્પલે પણ આરોગ્યની કાળજી માટે વ્યસનમુકિતની અનિવાર્યતા વિદ્યાર્થીઓને સમજાવી હતી. કાર્યક્રમનું ખુબ સુંદર સંચાલન કેમ્પસ ડિરેકટર નિલેષ રાવલે કર્યું હતું. જયારે ગીતાંજલિ કોલેજ હોપ કાર્યક્રમ ઈન્ચાર્જ ડો.રાજ પંડિત અને ડો.પ્રણવ ત્રિવેદીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.