સુત્રધાર મનાતા ત્રણ શખ્સો પૈકી બેના હથિયાર પરવાના રદ કરાયા: ત્રણેયની શોધખોળ
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિર્વસિટી નજીક આવેલી રાધા કૃષ્ણ સોસાયટીની જમીન ખાલી કરાવવાના મુદે છેલ્લા ચાર વર્ષથી ચાલતા વિવાદના કારણે કારખાનેદાર પ્રૌઢની થયેલી હત્યા કેસમાં પોલીસે હત્યા માટે કાવતરૂ ઘડવા અંગેની કલમનો ઉમેરો કરી કાવતરામાં સંડોવાયેલા ત્રણ શખ્સો પૈકી બેના હથિયાર પરવાના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રદ કર્યા છે.
રાધા કૃષ્ણ સુચિત સોસાયટીમાં ગત તા.13 ફેબ્રુઆરીની રાતે અચાનક પથ્થરમારો થયો હતો અને કેટલાક શખ્સોએ પાર્ક કરેલી કારના કાચ ફોડતા હોવાથી ત્યાં રહેતા કારખાનેદાર અવિનાસભાઇ ધુલેશીયા સહિત પાંચ જેટલી વ્યક્તિઓને ઇજા થઇ હતી. જ્યારે સામા પક્ષે બે વ્યક્તિને ઇજા થઇ હતી. ઘવાયેલા તમાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન અવિનાસભાઇ ધુલેશીયાનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આડેધડ પથ્થરમારો કરી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા રવિ વાઢેર, વિજય વાઢેર, હિરેન વાઢેર અને પરેશ ચૌહાણ નામના શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.
અવિનાશભાઇ ધુલેશીયા મોતથી તેમના પરિવારજનો અને સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા. હત્યાના કાવતરામાં સંડોવાયેલા સુત્રધાર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મયેર પ્રદિપભાઇ ડવ અને કમલેશ મિરાણી સહિતના આગેવાનો દ્વારા મૃતક અવિનાશભાઇ ધુલેશીયાના પરિવારને તટસ્થ તપાસની ખાતરી આપ્યા બાદ મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કરાયા હતા.
બીજી તરફ પોલીસે હત્યા બાદ કાવતરાની કલમનો ઉમેરો કરી નાના મવાના મયુરસિંહ જાડેજા, ધર્મરાજ પાર્કના ભરત ઉર્ફે ભુરો નારણ સોસા અને પંચયાત ચોકમાં રહેતા અમિત રમેશ ભાણવડીયાની શોધખોળ હાથધરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મયુરસિંહ જાડેજા અને અમિત ભાણવડીયાના હથિયાર પરવાનો રદ કર્યો છે.