નોટબંધી વખતે એડીસીબેંકે રૂા.૭૪૫ કરોડની બ્લેક મની વાઈટ કરી હોવાની રાહુલની ટીપ્પણી બાદ બેંકના ચેરમેને બદનક્ષીનો દાવો કર્યો ‘તો
નોટબંધી અંગે રાહુલ ગાંધીએ એડીસી બેંક ઉપર ટીપ્પણી કરી હતી જેના પગલે એડીસી બેંકનાં ચેરમેન દ્વારા રાહુલ ગાંધી ઉપર રૂા.૭૪૫ કરોડનો બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ જાહેર કરતા આજે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવાના છે.
લોકસભામાં મળેલી હાર બાદ કોંગ્રેસના નેતાની મુસીબતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીને એકબાદ એક દેશની અલગ અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે. અમદાવાદમાં પણ રાહુલ ગાંધી સામે થયેલો માનહાનીનો દાવો સામે આવ્યો છે.
અમદાવાદની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને તેમના દ્વારા નોટબંધી દરમિયાન આપવામાં આવેલા એક નિવેદનને લઈને નોધાયેલા માનહાની કેસમાં કોર્ટ સમક્ષ આજે રજૂ થવાના નિર્દેશ અપાયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂધ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અજય પટેલે માનહાનીની ફરિયાદ કરી હતી. નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ એડીસી બેંક પર ૭૪૫ કરોડ રૂપીયાની બ્લેક મનીને વાઈટ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને ગત વર્ષે અરજીકર્તાઓએ માનહાનીનો કેસ કર્યો હતો.
માનહાનીના કેસના મામલે કોર્ટે એપ્રીલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ૨૭ મેના રોજ રજૂ થવાના આદેશ આપ્યા હતા પરંતુ રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ અપીલ કરતા કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધી ૨૭ મેના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને શ્રધ્ધાંજલી આપવા માટે શાંતિવન જશે. એટલા માટે તેમણે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી,. જેને કોર્ટે સ્વીકારતા રાહુલ અને સુરજેવાલાને આજે કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતુ.
રાહુલગાંધી અમદાવાદમાં આવવાના હોય તેમની સુરક્ષા અંગે પોલીસ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે પણ માનહાનીનો દાવો કરાયો હતો. આ કેસમાં મેજીસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં રાહુલ ગાંધીનું નિવેદન લેવામાં આવશે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી બપોરે ૧૨ કલાકની આસપાસ એરપોર્ટ ઉપર આવી પહોચશે. ત્યારબાદ રાહુલ ગાંધી એરપોર્ટથી એનેકસી ખાતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ બપોરે ૩ વાગ્યે મેટ્રો કોર્ટમાં હાજરી આપશે.