નખત્રાણા તાલુકાના નિરોણામાં 5 શખ્સોએ અદાણી ગૃપના બે વીજ ટાવરોના નટ-બોલ્ટ ખોલીને 50 લાખનું નુકસાન કર્યું હોવાની ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ,પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા ગામના સીમાડે સરકારી જમીન પર અદાણી કંપનીના લગાવેલા બે વીજટાવરના નટબોલ્ટ ખોલી નાખી બંને ટાવર નમાવી નાખી અડધા કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હોવાની ગામનાં પાંચ શખ્સો વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
કંપનીના કોન્ટ્રાક્ટર નારણભાઈ આયરે નિરોણાના હરિસિંહ રાયધણજી પઢિયાર, રઘુવીરસિંહ હરિસિંહ પઢિયાર, સુરૂભા દેવાજી જાડેજા, દેવાજી હાલાજી જાડેજા અને દિગ્વિજયસિંહ જીલુભા પઢિયાર વિરુધ્ધ આઈપીસી 507, 427, 143, 149 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયું છે કે, આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદે મંડળી રચી નિરોણા ગામની સરકારી સર્વે નંબર 554 અને સર્વે 554 પૈકીવાળી જમીનમાં લગાવેલા 220 કેવીના બે ટાવરોના બધા નટબોલ્ટ ખોલી નાખી બંને ટાવરને નમાવી દઈ 50 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે. જમીન સરકારી હોવા છતાં અહીં પૂર્વજોની ચારસો વર્ષ જૂની સમાધિઓ આવેલી છે તેમ જણાવી આરોપીઓ જમીન સંપાદનનું વળતર માંગી રહ્યા હોવાનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે.