અંબુજા અને એસીસી બાદ હવે ગૌતમ અદાણી ઈન્ડિયા સિમેન્ટ અને નુવોકો વિસ્ટાને પણ હસ્તગત કરવાની તૈયારીમાં
ગૌતમ અદાણી સિમેન્ટ બિઝનેસમાં નંબર 1 બનવા માંગે છે. અંબુજા અને એસીસીના અધિગ્રહણ બાદ અદાણીનો આ ઈરાદો સ્પષ્ટ થઈ ગયો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અંબુજા અને એસીસી પછી અદાણી ઈન્ડિયા સિમેન્ટ અને નુવોકો વિસ્ટાને પણ હસ્તગત કરી શકે છે.
ઉદ્યોગ નિરીક્ષકો માને છે કે અદાણી વધુ સિમેન્ટ સંપત્તિઓ હસ્તગત કરવા માગે છે. ખાસ કરીને, તેઓ નાની કંપનીઓને હસ્તગત કરવા માંગે છે, જેનું માળખું ખર્ચ અને બજાર હિસ્સો ઓછો છે.
અંબુજા સિમેન્ટ્સના બોર્ડે અદાણી ગ્રૂપના પ્રમોટર એન્ટિટીને પ્રેફરન્શિયલ એલોટમેન્ટ માટે ક્ધવર્ટિબલ વોરંટને પણ મંજૂરી આપી હતી. આના દ્વારા ગ્રુપ વધારાના 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સાથે, ગ્રૂપ 2030 સુધીમાં ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારશે. આ ઉપરાંત, જૂથ ઘણી સિમેન્ટ સંપત્તિઓ પણ હસ્તગત કરશે.
અલ્ટ્રાટેક વાર્ષિક 120 મિલિયન ટનની ક્ષમતા સાથે સિમેન્ટ ઉત્પાદનના સંદર્ભમાં ટોચના સ્થાને છે. જ્યારે, અંબુજા-એસીસી બંને કંપનીઓની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 70 એમટીપીએ છે. અદાણી ગ્રુપ હવે વધુને વધુ રોકાણ કરીને આ બંને કંપનીઓની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારશે.
નુવોકો વિસ્ટાસ અને ઈન્ડિયા સિમેન્ટ ઉપરાંત અદાણી ગ્રૂપ સાંઘી સિમેન્ટને પણ હસ્તગત કરી શકે છે. સાંઘી સિમેન્ટની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 6 એમટીપીએ છે. જ્યારે નુવોકો વિસ્ટા અને ઇન્ડિયા સિમેન્ટ 25 એમટીપીએ અને 15 એમટીપીએ (કુલ 40 એમટીપીએ/વર્ષ) ની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.ગૌતમ અદાણીએ અંબુજા અને એસીસીનું અધિગ્રહણ 2 દિવસ પહેલા પૂર્ણ કર્યું હતું. અદાણી ગ્રુપે અંબુજા અને એસીસી સિમેન્ટનું આ ટેકઓવર 6.5 બિલિયન ડોલર એટલે કે 51.79 હજાર કરોડ રૂપિયામાં કર્યું હતું. આ ટેકઓવર સાથે અદાણી ગ્રુપ દેશમાં બીજા નંબરનું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બની ગયું છે. આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ સિમેન્ટ ઉત્પાદનના મામલામાં પ્રથમ ક્રમે છે.
અંબુજા અને એસીસીનું સિમેન્ટ ઉત્પાદન 2030 સુધીમાં બમણું કરી દેવાશે
અદાણી ગ્રુપ દેશના વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને રાખીને અંબુજા સિમેન્ટ્સ અને તેની પેટાકંપની એસીસીની સંયુક્ત સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરીને 140 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવા માગે છે. અમે આગામી પાંચ વર્ષમાં વર્તમાન 70 મિલિયન ટનની ક્ષમતાથી વધીને 140 મિલિયન ટન થવાની અપેક્ષા રાખીએ છીએ, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. જ્યારે અદાણી ગ્રૂપના મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશ્યો છે, ત્યારે આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ પણ તેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરીને 2030 સુધીમાં લગભગ 160 મિલિયન ટન પ્રતિવર્ષનું લક્ષ્ય ધરાવે છે જે હાલમાં 120 મિલિયન ટન છે.