4 લાખ કરોડનું રોકાણ કરી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની વાતો કરી અદાણી ગ્રુપ પાણીમાં બેસી ગયું, હવે 2026 પછી જ પ્રોજેકટ શરૂ થઈ શકે તેવી સ્થિતિ
અદાણીને નાણાકીય ખેંચ ઉભી થતા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ અભેરાઈએ મુક્યો છે. 4 લાખ કરોડનું રોકાણ કરી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાની વાતો કરી અદાણી ગ્રુપ પાણીમાં બેસી ગયું હોવાનું સામે આવ્યું છે. હવે 2026 પછી જ પ્રોજેકટ શરૂ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે ગ્રીન હાઈડ્રોજનને લગતી તેની યોજનાને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. વરિષ્ઠ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક વર્ષ પહેલા જૂન મહિનામાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ પર લગભગ 50 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. અદાણીએ તે સમયે કહ્યું હતું કે તેઓ વિશ્વનું સૌથી સસ્તું ગ્રીન હાઇડ્રોજન ભારતમાં ઉપલબ્ધ કરાવશે. પરંતુ હવે આ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ બંધ કરવો પડશે. ગૌતમ અદાણી આ ક્ષેત્રમાં મુકેશ અંબાણી સાથે સીધી સ્પર્ધામાં છે.
આ પ્રોજેક્ટ અટકી જવાથી ભારતના આગામી હાઇડ્રોજન ઇકોસિસ્ટમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે. ગૌતમ અદાણીના મતે, હવે ગ્રીન હાઈડ્રોજન બિઝનેસનું વિસ્તરણ 2026 અથવા 2028 પછી જ શક્ય બનશે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર રોબી સિંઘે આ વાતની પુષ્ટિ કરી છે.
વાસ્તવમાં, અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બહાર આવ્યો ત્યારથી અદાણી ગ્રુપને ઘણું નુકસાન થયું છે. જે મુજબ ફંડિંગ થવું જોઈતું હતું, તે થયું નથી. અદાલી એન્ટરપ્રાઈઝ એફપીઓ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે લાવવામાં આવ્યો હતો, તે પણ પડી ભાંગ્યો છે. આ એફપીઓમાંથી થતી આવકનો મોટો હિસ્સો ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં ખર્ચવાનો હતો. આ કારણોસર અદાણી ગ્રુપનો પ્રોજેક્ટ 3 થી 5 વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં અદાણીની સીધી સ્પર્ધા મુકેશ અંબાણી સાથે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ આ સેક્ટરમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે.
અદાણીનો ડેબ્ટ રેશિયો જોખમી ?
નિષ્ણાંતોના મતે અદાણીનો ડેબ્ટ રેશિયો જોખમી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ કંપની જોખમો ખેડીને ફરી અગ્રેસર બનવા મથામણ કરી રહી છે પરંતુ જો તેમાનું કોઈ પાસું નબળું પડે તો ફરી પરપોટો ફૂટી શકે છે. બીજી તરફ અદાણી દેણું ચૂકતે કરવાના પણ પ્રયાસો કરી રહ્યું છે.
અગાઉ હિન્ડનબર્ગ રિપોર્ટે અદાણીના રોકાણકારોને રોવડાવ્યા!
24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપની ગેરરીતિ ખુલી પાડતો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેને લઈને અદાણી જૂથની કંપનીઓએ બજારમાં ભારે અસ્થિરતાનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન, જૂથની દસ લિસ્ટેડ કંપનીઓની સામૂહિક માર્કેટ મૂડીમાં 145 બિલિયન ડોલર સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જેને પરિણામે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું.