ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનાઢય વ્યક્તિઓની યાદીમાં ચોથા સ્થાને
વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં સતત ઘટાડા વચ્ચે માત્ર ગૌતમ અદાણીની સંપત્તિમાં જ વધારો, ગઈકાલે એક જ દિવસમાં 6 બિલિયન ડોલરનો વધારો થયો : અદાણી ખૂબ ઓછા સમયમાં વિશ્વના ધનકુબેરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચશે, નિષ્ણાંતોનો મત
ગૌતમ અદાણી હવે માત્ર ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા, પરંતુ તેઓ હવે વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ જેટલી થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી અને ગેટ્સ બંનેની કુલ સંપત્તિ 125 બિલિયન ડોલર છે. હવે તેણે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી, વોરેન બફેટ, ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિનને પાછળ છોડી દીધા છે.તે જ સમયે, ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે. આ યાદીમાં તે બિલ ગેટ્સથી થોડા પાછળ છે. અહીં તેમની કુલ સંપત્તિ 129 બિલિયન ડોલર અંદાજવામાં આવી છે. જ્યારે બિલ ગેટ્સની કુલ સંપત્તિ 129.4 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 6.3 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. માત્ર 2022માં અદાણીની સંપત્તિમાં 48.3 બિલિયન ડોલરનો વધારો થયો છે. 2021ના અંતે ગૌતમ અદાણીની સંપત્તિ 76.7 બિલિયન ડોલર હતી. અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવ સતત વધી રહ્યા છે.
ભૂતકાળમાં તેમની બંને કંપની અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે.એલોન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ આર્નોલ્ટ અને બિલ ગેટ્સ અબજોપતિઓની યાદીમાં અદાણીથી આગળ છે. પરંતુ તે તમામની પ્રોપર્ટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે તેઓ રેડ ઝોનમાં છે. જ્યારે અદાણી સતત વૃદ્ધિ કરી રહી છે અને ગ્રીન ઝોનમાં રહે છે. જો ગૌતમ અદાણી આ જ ગતિએ ચાલુ રહેશે તો તેઓ ટૂંક સમયમાં જ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની જશે.