પોર્ટ્સ, એન્ટરપ્રાઈઝ,ગ્રીન એનર્જી, ટ્રાન્સમિશનના 21 કરોડ શેરનું વેચાણ
હિંડનબર્ગમાં રિપોર્ટ બાદ અનેક ફટકાઓનો સામનો કરી રહેલું અદાણી ગ્રુપ રોકાણકારોનો વિશ્વાસ મેળવવા અત્યારે બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેવામાં અદાણી ગ્રુપે પોતાની 4 કંપનીના શેરમાં બલ્ક હિસ્સો વેંચીને 15,446 કરોડ ઉભા કર્યા છે.
અદાણી ગ્રુપે ચાર લિસ્ટેડ કંપનીઓમાં લઘુમતી હિસ્સો યુએસ સ્થિત એસેટ મેનેજર જીક્યુંજી પાર્ટનર્સને રૂ. 15,446 કરોડમાં વેચ્યો છે. અદાણી ગ્રૂપ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર બજારમાં વેચાયા હતા. જેના 21 કરોડ શેરનું વેચાણ કરાયું છે.
યુએસ સ્થિત અગ્રણી વૈશ્વિક ઇક્વિટી જીકયુજી પાર્ટનર્સે ગુરુવારે અદાણી પોર્ટફોલિયો કંપનીઓમાં સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શનની શ્રેણીમાં રૂ. 15,446 કરોડ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ તમામ કંપનીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતી. આ રોકાણ જીકયુજી પાર્ટનર્સને નિર્ણાયક ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વૃદ્ધિમાં અગ્રણી રોકાણકાર બનાવે છે. જેફરીઝ ઈન્ડિયાએ ટ્રાન્ઝેક્શન માટે એકમાત્ર બ્રોકર તરીકે કામ કર્યું હતું. બ્લોક ટ્રેડ કે જેમાં ઇશ્યુઅર શેરનું વેચાણ કરે છે તેને પ્રાથમિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે અને એક જેમાં વેચાણ કરતા શેરધારકો શેર વેચે છે તેને ગૌણ ઓફર તરીકે ઓળખવામાં આવે છે.
વેચાણ પહેલાં પ્રમોટરો પાસે એઆઈએલમાં 72.6 ટકા હિસ્સો હતો અને 3.8 કરોડ શેર અથવા 3.39 ટકા હિસ્સો રૂ. 5,460 કરોડમાં વેચવામાં આવ્યો હતો. પ્રમોટર્સે એપીએસઇમાં 66 ટકા હિસ્સો રાખ્યો હતો અને 8.8 કરોડ શેર અથવા 4.1 ટકા હિસ્સો રૂ. 5,282 કરોડમાં વેચ્યો હતો. એટીએલમાં પ્રમોટરો પાસે 73.9 ટકા હિસ્સો હતો અને 2.8 કરોડ શેર અથવા 2.5 ટકા હિસ્સો રૂ. 1,898 કરોડમાં વેચ્યો હતો. પ્રમોટરો પાસે એજીએલમાં 60.5 ટકા હિસ્સો હતો અને 5.5 કરોડ શેર અથવા 3.5 ટકા હિસ્સો રૂ. 2,806 કરોડમાં વેચ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાને અદાણીના સમર્થનમાં
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટે ગુરુવારે કહ્યું હતું કે તેઓ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને તેમની કંપની માટે ઘણું સન્માન ધરાવે છે. એબોટ તેમના દેશમાં અદાણી ગ્રૂપના કોલ માઇનિંગ પ્રોજેક્ટ્સના સમર્થક તરીકે જાણીતા છે. 2015 માં, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે, તેમણે અદાણી જૂથના કારમાઇકલ કોલસાની ખાણ પ્રોજેક્ટ સામે કોર્ટના ચુકાદાની નિંદા કરી હતી.
કપરા સમયમાં અમેરિકન કંપનીએ અદાણી ઉપર ભરોસો મુક્યો
જીકયુજી એટલે કે ગ્લોબલ ઇકવિટી ઇન્વેસ્ટમેન્ટ બુટીક પાર્ટનર્સના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજીવ જૈને જણાવ્યું હતું કે આ કંપનીઓમાં લાંબા ગાળાની વૃદ્ધિની નોંધપાત્ર સંભાવના છે. આ કંપનીએ કપરા સમયમાં પણ અદાણી ઉપર વિશ્વાસ દાખવીને તેનો હિસ્સો ખરીદ્યો છે.