- આગામી 5 વર્ષમાં એરપોર્ટ ટર્મિનલ અને રનવેની ક્ષમતા વધારવા પાછળ રૂ. 30,000 કરોડનું રોકાણ થશે: હાલ દેશના 6 મોટા એરપોર્ટનું સંચાલન અદાણી પાસે
Business News : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચેલા ગૌતમ અદાણીના અદાણી જૂથે આગામી 10 વર્ષમાં એરપોર્ટ બિઝનેસમાં રૂ. 60 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણી ગ્રુપે કહ્યું છે કે આગામી 5 વર્ષમાં એરપોર્ટ ટર્મિનલ અને રનવેની ક્ષમતામાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ સાથે સિટી સાઇડ ડેવલપમેન્ટના મામલામાં આગામી 10 વર્ષમાં રૂ. 30,000 કરોડનું રોકાણ કરવામાં આવનાર છે.
10 વર્ષમાં સાત એરપોર્ટમાં કરશે રોકાણ
ગૌતમ અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં સાત એરપોર્ટ પર રૂ. 60,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. ગૌતમ અદાણી જૂથે કહ્યું છે કે નવી મુંબઈ એરપોર્ટના પ્રથમ તબક્કાના વિકાસ માટે રૂ. 18,000 કરોડનો ખર્ચ આ યોજનાથી અલગ છે. ગૌતમ અદાણી ગ્રુપ આગામી દાયકામાં એરપોર્ટ બિઝનેસમાં કુલ રૂ. 78000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ગૌતમ અદાણી ગ્રૂપ રનવે, ટેક્સીવે, એરક્રાફ્ટ પાર્કિંગ સ્ટેન્ડ અને ટર્મિનલની સાથે સિટી સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં રોકાણ કરવા જઇ રહ્યું છે. તેમાં હોટલ, શોપિંગ મોલ વગેરેનો પણ સમાવેશ થાય છે.
ગૌતમ અદાણી જૂથનું નવી મુંબઈ એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. યુપીની રાજધાની લખનૌ એરપોર્ટના નવા ટર્મિનલનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પછી અદાણી એરપોર્ટ હોલ્ડિંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ બંસલે કહ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ આંતરિક સ્ત્રોતોથી આ રકમની વ્યવસ્થા કરવા જઈ રહી છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ કેવી રીતે કરશે કામ ?
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એક સ્ટાર્ટઅપની જેમ કામ કરે છે, તેથી ફંડની વ્યવસ્થા આંતરિક સ્ત્રોતોમાંથી જ કરવામાં આવશે. ગૌતમ અદાણી ગ્રુપ પાસે લખનૌ, અમદાવાદ, જયપુર, ગુવાહાટી, તિરુવનંતપુરમ અને બેંગલુરુ જેવા 6 એરપોર્ટ છે. વર્ષ 2021 માં, કંપનીએ મુંબઈ એરપોર્ટ હસ્તગત કર્યું અને નવી મુંબઈ એરપોર્ટને જીવીકે ગ્રુપ પાસેથી લીધું. ગૌતમ અદાણી ગ્રુપ પાસે હાલમાં 8 એરપોર્ટ છે અને વર્ષ 2040 સુધીમાં ગૌતમ અદાણી ગ્રુપ તેમની ક્ષમતા વધારીને 25 થી 30 કરોડ પેસેન્જર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.