5જી સેવાના સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ભાગ લેશે, વધુમાં વધુ સ્પેક્ટ્રમ ખરીદી ટેલિકોમ ક્ષેત્રેને હસ્તગત કરવાનો વ્યૂહ
અદાણી ગૃપ હવે ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યું છે. પ્રવેશની સાથે જ તે ટેલિકોમ ક્ષેત્રેમાં એક મોટું સ્થાન હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપે 5જી સેવા માટેના સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લઈને મોટા પ્રમાણમાં સ્પેક્ટ્રમ હસ્તગત કરવાનું આયોજન કરી લીધું છે. જો કે અદાણીએ 5જીના સ્પ્રેક્ટ્રેમ હાંસલ કરીને ટેલિકોમ ક્ષેત્રના ભાઈજી બનવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો છે. ભાઈજી એટલે કુટુંબના વડા, આમ હવે ટેલિકોમ ક્ષેત્રે પણ અદાણી વડા બનવા કમર કસી રહ્યું છે.
એશિયાના સૌથી અમીર અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. ટેલિકોમ સેક્ટરમાં વર્ચસ્વ જમાવવા માટે અદાણી કંપની નવી યોજના બનાવી રહી છે. અહેવાલ છે કે ગૌતમ અદાણી જૂથ આ મહિનાના અંતમાં યોજાનારી આગામી 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેશે અને તેના માટે અરજી કરી છે. જેથી હવે અદાણી ગ્રૂપ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને આ ક્ષેત્રના દિગ્ગજ સુનીલ ભારતી મિત્તલની એરટેલ સાથે સીધી સ્પર્ધા કરશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની સ્પેક્ટ્રમની હરાજી માટે દૂરસંચાર વિભાગના એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેના માધ્યમથી સફળ બોલીદાતાઓને જનતા અને ઉદ્યમોને 5 જી સેવાઓ આપવા માટે સ્પેક્ટ્રમ સોંપવાનો નિર્ણય લેવાયો હતો. હરાજી નિમ્ન, મિડ અને હાઈ ફ્રીક્વેન્સી બેંડમાં થશે, નિમ્નમાં 600 મેગાહર્ટ્ઝ, 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝમાં હશે. 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ હશે. મિડમાં 3300 મેગાહર્ટ્ઝ અને હાઈ 26 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વેંસી બેંડ છે.
મંત્રીપરિષદે વિકાસ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ખાનગી કેપ્ટિવ નેટવર્ક સ્થાપિત કરવા માટે નિર્ણય લીધો છે. સરાકરે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ શરૂ થનારી 5જી સેવાઓ, 4 જી સેવાઓ અંતર્ગત હાલની રજૂઆતની સરખામણીમાં લગભગ 10 ગણી વધારે સ્પિડ હશે. સત્તાવાર નિવેદન અનુસાર, સ્પેક્ટ્રમ સમગ્ર 5 જી ઈકો-સિસ્ટમનો એક અભિન્ન અને આવશ્યક ભાગ છે. 5 જી સેવાઓમાં નવા યુગના વ્યવસાય બનાવવા, ઉદ્યોગો માટે વધારે રેવન્યૂ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
26મી જુલાઈના રોજ હરાજી થશે
હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં સક્ષમ આ એરવેવ્ઝની 5જી ટેલિકોમ સેવાઓ માટેની હરાજીમાં ભાગ લેવા માટેની અરજીની પ્રક્રિયા ઓછામાં ઓછા ચાર અરજદારો સાથે શુક્રવારે બંધ થઈ. અદાણી ગ્રુપે 8મી જુલાઈએ તેની અરજી જમા કરાવી છે. આ હરાજી 26 જુલાઈના રોજ થવાની છે. મામલાની જાણકારી ધરાવતા ત્રણ સૂત્રોએ જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરની ત્રણ ખાનગી કંપનીઓ – જીઓ, એરટેલ અને વોડફોને અરજી કરી છે.એક સૂત્રોએ જણાવ્યું કે ચોથા અરજદાર અદાણી ગ્રુપ છે. જૂથે તાજેતરમાં નેશનલ લોંગ ડિસ્ટન્સ અને ઈન્ટરનેશનલ લોંગ ડિસ્ટન્સ માટે લાઇસન્સ મેળવ્યાં હતાં. જો
4.3 લાખ કરોડના સ્પેક્ટ્રમ હરાજીમાં મુકાશે
અરજદારોની માલિકીની વિગતો હરાજીની સમયમર્યાદા સુધીમાં 12 જુલાઈના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈ, 2022થી શરૂ થઈ રહી છે. ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડના કુલ 72,097.85 એમએચઝેડ સ્પેક્ટ્રમ ઓફર કરવામાં આવશે.
વર્ષો બાદ હવે જામશે અંબાણી-અદાણી વચ્ચે રેસ
અંબાણી અને અદાણી બંને ગુજરાતના છે અને મોટા બિઝનેસ સમૂહની રચના કરી છે. જો કે, અત્યાર સુધી બંને કોઈ વ્યવસાયમાં સીધા સામ-સામે નહોતા. અંબાણીના કારોબારમાં તેલ અને પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ્યુનિકેશન અને રિટેલ સુધી, જ્યારે અદાણી પોર્ટ્સથી કોલસા, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને એવિએશન સુધીનો હતો. જો કે, હવે તેમની વચ્ચે સંઘર્ષનો તબક્કો તૈયાર થઈ ગયો છે. અદાણીએ તાજેતરના મહિનાઓમાં પેટ્રોકેમિકલ બિઝનેસમાં પ્રવેશવા માટે પેટાકંપની બનાવી છે. બીજી તરફ અંબાણીએ પણ એનર્જી બિઝનેસમાં અબજો ડોલરની યોજનાઓની જાહેરાત કરી છે.