કેન્દ્રની મોદી સરકારને રિલાયન્સ ગ્રૂપ કરતા અદાણી ગ્રૂપ ઉપર વધુ વિશ્વાસ
નરેન્દ્ર મોદીનાં માનીતા એવા ગૌતમ અદાણી ફરી એક વખત ડિજિટલ ઈન્ડિયાને લઈ મુખ્ય ભૂમિકા ભજવશે તેવી વાત સામે આવી રહી છે. હાલ ભારતીય કંપની અને ભારત દેશનાં મહત્વપૂર્ણ ડેટા વિદેશી કંપનીઓમાં સ્ટોર રહેતા હતા જેને હવે ભારત ખુદ કી દુકાન એટલે કે પોતાની જ કંપનીઓમાં રાખવા માટે પ્રયત્નો હાથ ધરી રહી છે. અદાણી ગ્રૂપ દ્વારા ગુજરાતમાં પણ અનેકવિધ ઉત્થાનના કાર્યો અને વ્યાપારો કર્યા છે જેમાં સૌપ્રથમ પ્રાઇવેટ કંપની તરીકે સીએનજીનો ઉદ્યોગ ગુજરાતમાં સ્થાપવામાં આવ્યો હતો ત્યારે એવી પણ વાત સામે આવે છે કે, અદાણી ગ્રુપનાં ગૌતમ અદાણી આવનારા બે દાયકામાં ૭૦ હજાર કરોડ રૂપિયાનાં રોકાણથી ડેટા પાર્ક બનાવશે અને ભારતીય કંપનીઓને મદદરૂપ થશે.
નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની રહેમરાહ ગૌતમ અદાણી પર હરહંમેશ વરસાવતા નજરે પડયા છે. અદાણી પોર્ટ, માઈનીંગ, કોમોડિટી સહિત અનેકવિધ ક્ષેત્રે અદાણી ગ્રુપે ક્રાંતિ સર્જી છે હવે અદાણી ગ્રુપનાં ગૌતમ અદાણી એમેઝોન તથા ગુગલ જેવી કંપનીઓથી આગળ વધશે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. સરકાર હાલ તેમનાં ડેટા લોકલ કંપનીમાં સેવ રહે અને સ્ટોર થાય તે દિશામાં આગળ વિચાર કરી રહી છે ત્યારે તેમની ઈચ્છા જાણે અદાણી ગ્રુપ તરફની હોય તેવું પણ સામે આવી રહ્યું છે. અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે, અદાણી એન્ટરપ્રાઈઝ આવતા ૨૦ વર્ષમાં ડેટા કંપની અને ડિજિટલ ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનાં રોકાણથી દક્ષિણ રાજયોમાં ડેટા પાર્ક ઉભા કરશે. ગૌતમ અદાણીનું માનવું છે કે, વિદેશી કંપનીઓ કે જે ભારતમાં કાર્ય કરી રહી છે તેવી જ રીતે ભારતીય કંપની કાર્ય કરશે અને દેશનાં ડેટાને પૂર્ણત: સ્ટોર કરશે.
આ તકે ગૌતમભાઈ અદાણીએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ જે રીતે ગુગલ અને એમેઝોન વિશ્વ આખામાં કાર્ય કરી રહ્યું છે તેવી જ રીતે ભારતમાં પણ ડેટા પાર્ક એ પ્રકારનાં કાર્યો કરવા સક્ષમ સાબિત થશે અને જો તે અંગેનાં કાયદાઓ યોગ્ય પુરવાર થશે તો ડેટા સ્ટોરેજ કેપેસીટીમાં પણ વધારો કરવામાં આવશે ત્યારે મોદી સરકારની જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની વાત કરવામાં આવી રહી છે તેમાં પ્રાઈવેટ રોકાણ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે એટલે દેશમાં પ્રાઈવેટ ભાગીદારી વધારવા સરકાર તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. ગૌતમ અદાણીએ વિગતવાર માહિતી આપતાં જણાવતાં કહ્યું હતું કે, તેમની કંપનીનો એક જ લક્ષ્યાંક છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર મારફતે દેશનો વિકાસ કરવામાં આવે અને સરકારનું જે વિઝન છે તેને અનુસરી વ્યાપારને વૃદ્ધિ આપવામાં આવે.અદાણી એન્ટરપ્રાઈઝ હાલ કોલ માઈનીંગ, ઈલેકટ્રીસીટી, પોર્ટ સહિત અનેકવિધ ક્ષેત્રે કામ કરી રહી છે.
આ તકે રિલાયન્સનાં મુકેશ અંબાણી દ્વારા પણ વિગતો મળતાં માહિતી સામે આવી હતી કે, ભારતનાં ડેટા ભારતીયો દ્વારા જ સ્ટોર કરવામાં આવવા જોઈએ નહીં કે કોઈ વૈશ્ચિક કંપનીઓ દ્વારા. હાલ મુકેશ અંબાણીનાં નાના ભાઈ અનિલ અંબાણી દ્વારા દેશમાં અનેકવિધ ડેટા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ડિજિટલ ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે અદાણી સહિત ભારતીય કંપનીઓ મેદાનમાં આવી છે જે એક હકારાત્મક ચિન્હ પણ માનવામાં આવી રહ્યું છે. આ તમામ કંપનીઓ જો ભારતમાં સરકારનાં લક્ષ્યાંકને સિઘ્ધ કરવા માટે પ્રયત્નો હાથ ધરશે અને તે દિશામાં જો આગળ કાર્ય કરશે તો મોદી સરકારની જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું જે સ્વપ્ન સેવ્યું છે તે પૂર્ણત: શકય બની રહેશે. કારણકે દેશમાં જ રોકાણ થવાથી અને બહારની કંપનીઓનાં ડેટા સ્ટોર કરવાથી વિદેશી હુંડીયામણ પણ ભારત દેશમાં આવશે જેથી લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલી ઉભી નહીં થાય પરંતુ આ કાર્યવાહી કયાં સમયાંતરમાં કરવામાં આવશે તે તો આવનારો જ સમય જણાવશે.