હિંડનબર્ગના રિપોર્ટથી સર્જાયેલી પડકારજનક સ્થિતિ વચ્ચે અદાણીએ કાઠું કાઢ્યું
ગૌતમ અદાણી વર્ષ 2022 માં સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ તરીકે હેડલાઇન્સમાં હતા, ત્યારે આ વર્ષે તેઓ સૌથી વધુ સંપત્તિ ગુમાવવા માટે સમાચારમાં છે. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અહેવાલથી અદાણી જૂથને થોડા દિવસોમાં જ મોટું નુકસાન થયું છે. અત્યાર સુધીની સૌથી મોટી ખોટનો સામનો કરી રહેલા ગૌતમ અદાણી માટે સંકટના સમયમાં એક સારા સમાચાર આવ્યા છે. તેમની કંપની અદાણી ટ્રાન્સમિશનએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 73 ટકા નફો કર્યો છે.
નાણાકીય વર્ષ 2021-22ના સમાન ક્વાર્ટરમાં નફો રૂ. 267 કરોડ હતો, જે વધીને 478 કરોડ થયો
અદાણી ટ્રાન્સમિશનએ સોમવારે નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)ના પરિણામોની જાહેરાત કરી હતી. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેના ચોખ્ખા નફામાં 73 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. ડેટા જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન અદાણી ટ્રાન્સમિશનનો નફો રૂ. 478 કરોડ હતો, જે અગાઉ નાણાકીય વર્ષ 2021-22ના સમાન ક્વાર્ટરમાં રૂ. 267 કરોડ હતો.
કંપની વતી ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરતા કહેવામાં આવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ટ્રાન્સમિશનની આવક રૂ. 2,623 કરોડ હતી. જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 16 ટકા વધુ છે. આ ઉપરાંત, અદાણીની કંપનીનો ઇબીઆઇટીડીએ પણ છેલ્લા ક્વાર્ટરમાં 28.9 ટકા વધીને રૂ. 1,798 કરોડ થયો છે. આવકમાં આ વધારાનું કારણ જણાવતા કંપનીએ કહ્યું કે નવી ટ્રાન્સમિશન લાઈનો શરૂ થવાને કારણે કંપનીની આવકમાં વધારો થયો છે.
અદાણી ટ્રાન્સમિશન 13 રાજ્યોમાં કાર્યરત
ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ પાવર ટ્રાન્સમિશન અને વિતરણ કંપની છે. આ કંપની 13 રાજ્યોમાં હાજરી ધરાવે છે. કંપની દ્વારા જાહેર કરાયેલા ત્રિમાસિક પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં અદાણી ટ્રાન્સમિશનના રોકડ નફામાં પણ 34 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે રૂ. 955 કરોડ થયો છે. કંપનીના આ ઉત્કૃષ્ટ પરિણામો એવા સમયે રજૂ કરવામાં આવ્યા છે જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં સુનામી આવી છે અને ગૌતમ અદાણીની નેટવર્થ ઝડપથી ઘટી રહી છે.
પડકારજનક સ્થિતિમાં પણ કંપનીની આગેકૂચ : એમડી
કંપનીના ઉત્કૃષ્ટ પરિણામો અંગે અદાણી ટ્રાન્સમિશનના એમડી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે અદાણી ટ્રાન્સમિશન સતત આગળ વધી રહ્યું છે. કંપની હવે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં મુખ્ય કંપની બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુશ્કેલીભર્યા અને પડકારજનક આર્થિક વાતાવરણ છતાં કંપનીનો વિકાસ સતત વધી રહ્યો છે.
અદાણી ગ્રુપે રોકાણકારોનો વિશ્વાસ જીતવા 9 હજાર કરોડનું દેણું ચૂકવી દીધું!!
અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ જીતવા અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓએ પોતાના ગિરવી શેર છોડાવી લીધા છે. તેના માટે આ કંપનીઓના પ્રમોટર્સે મેચ્યુરીટી પહેલા 9 હજાર કરોડનું પ્રીપેમેન્ટ કર્યું છે.
માનવામાં આવે છે કે ગ્રુપ શેરોમાં સતત વેચવાલી બાદ રોકાણકારોમાં ભરોસો જાળવી રાખવા માટે આમ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે રિસર્ચ કર્મ હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઇઝિસ સહીતના મોટાભાગના શેરમાં સતત વેચવાલી છે. આ શેરોની કિંમત એક વર્ષના હાઇથી 65 ટકા તૂટી ચુકી છે.
રિપોર્ટ પ્રમાણે, જે કંપનીઓના શેર છોડાવવામાં આવ્યા છે, તેમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશયલ ઈકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન સામેલ છે. અદાણી પોર્ટ્સના પ્રમોટર્સે 12 ટકા ગિરવી શેર છોડાવ્યા છે. તો અદાણી ગ્રીનના પ્રમોટર્સે 3 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના પ્રમોટર્સે 1.4 ટકા ગિરવી શેર છોડાવ્યા છે. તેના પછી હવે અદાણી પોર્ટ્સના ગિરવી શેરોની સંખ્યા 17.31 ટકાથી ઘટીને 5.31 ટકા થઈ ગઈ છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીના ગિરવી શેરોની સંખ્યા 4.36 ટકાથી ઘટીને 1.36 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના ગિરવી શેરની સંખ્યા 6.62 ટકાથી ઘટીને 5.22 ટકા થઈ છે.