અદાણી ગ્રુપની કંપની અંબુજા સિમેન્ટ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંબુજા સિમેન્ટ ગુજરાત અને રાજસ્થાનમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ મૂડી સાથે બંને રાજ્યોમાં સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે, અદાણી જૂથ ખાવડા-કચ્છ ખાતે 600 મેગાવોટનો સોલાર પ્લાન્ટ જયારે 150 મેગાવોટનો વિન્ડ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરશે.
કુલ રૂ. 6 હજાર કરોડના ખર્ચે ગુજરાત અને રાજસ્થાનમાં ગ્રીન એનર્જીના પ્લાન્ટ સ્થાપિત કરાશે
અંબુજા સિમેન્ટ હવે ગ્રીન એનર્જી સેક્ટરમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. કંપની રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ સાથે કંપની પાસે લગભગ 1000 મેગાવોટ ગ્રીન પાવરની ક્ષમતા હશે. આ રોકાણ સૌર અને પવન ઉર્જાના ક્ષેત્રમાં હશે.
અંબુજા સિમેન્ટે સોમવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ યોજનાનો ખુલાસો કર્યો હતો. ગ્રીન એનર્જીમાં પ્રવેશવાની અંબુજા સિમેન્ટની યોજના વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવશે. આ પોર્ટફોલિયોમાં સોલર પાવર અને વિન્ડ પાવર હશે. આ પ્લાન્ટ ગુજરાત અને રાજસ્થાનમાં હશે. ગુજરાતમાં 600 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ અને 150 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાપિત થનાર સોલાર પ્લાન્ટ અને વિન્ડ એનર્જી પ્લાન્ટ માટે કચ્છનું ખાવડા પસંદ કરવામાં આવ્યું છે.
એ જ રીતે રાજસ્થાનમાં 250 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ યોજના વર્ષ 2026 સુધીમાં જમીન પર આવી જશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારા પવનો ફૂંકાય છે. રાજસ્થાનમાં હંમેશા તડકો રહે છે.
ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીમાં જંગી રોકાણ કરી રહ્યું છે. અદાણી ગ્રુપ પણ તેના બિઝનેસમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા માંગે છે. જૂથની 5 કંપનીઓનું લક્ષ્ય વર્ષ 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જન મુક્ત બનવાનું છે. આ દિશામાં આગળ વધવા માટે, અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં ગ્રીન એનર્જીમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે.