ઈનોવેશન અને ડિજીટલાઈઝેશનની પહેલથી સલામતીમાં ચોકસાઈ વધી
અદાણી પોર્ટ-મુંદ્રાએ સુરક્ષા અને સલામતી મામલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એપેક્સ ઇન્ડિયા ફાયર એન્ડ સેફ્ટી મેઝર્સ એવોર્ડ-2023માં મુંદ્રાને શ્રેષ્ઠ પોર્ટ તરીકે નવાજવામાં આવ્યું છે. એપીએસઈઝેડને ફાયર એન્ડ સેફ્ટીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્લેટિનમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઓક્ટો – 2023ના રોજ 8મી એપેક્સ ઇન્ડિયા ઓએસએચ કોન્ફરન્સ અને એક્સ્પો-2023માં ઉદયપુર ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં સાંસદ મનોજ તિવારીના હસ્તે પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એપીએસઈઝેડ ફાયર સર્વિસિઝ દ્વારા છેલ્લા 3 વર્ષમાં પોર્ટ રોડ અકસ્માત અને બચાવ કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી 10 ડ્રાઇવરોના જીવન બચાવાયા છે. તદુપરાંત આગ નિવારણ અને જીવનરક્ષા માટેની વિવિધ પહેલો, લોકજાગૃતિ માટેના પ્રયાસો, અગ્નિશામકમાં તકનીકીનો ઉપયોગ જેવી અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. કંપની સ્ટાફની ભરતી વખતે ઉમેદવારોની ફાયર ફાઈટીંગ સ્કીલ્સની આંતરરાષ્ટ્રીય સ્તરની કસોટીઓ કરવામાં આવે છે.
એપીએસઈઝેડ દ્વારા દૈનિક ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ ચેકલિસ્ટ માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ફાયર સેફ્ટીના સાધનોનું નિયમિત ચેકીંગ અને તેને કટોકટીની પરિસ્થિતી માટે તૈયાર રાખવા, પોર્ટેબલ અગ્નિશામક અને અન્ય પ્રોજેક્ટ્સનું રીયલટાઇમ કયુઆર કોડ આધારિત નિરીક્ષણ અને ટ્રેકિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં, એપીએસઈઝેડ દ્વારા કુલ 40 ઇનહાઉસ સિમ્યુલેટર આધારિત રેસ્ક્યુ ગેલેરી વિકસાવવામાં આવી છે. જેનાથી સંભવિત આગ લાગવાના જોખમોને ટાળી શકાય છે.
નિર્ધારિત માનદંડો અને પરિક્ષણના આધારે જ્યુરીએ મુંદ્રા પોર્ટની પ્લેટિનમ એવોર્ડ માટે પસંદગી ઉતારી હતી. વિગત વર્ષોમાં કંપનીના પોર્ટ એન્ડ ટર્મીનલ સેક્ટર દ્વારા સુરક્ષાક્ષેત્રે કરવામાં આવેલા સુધારા-વધારાથી હાંસલ નોંધપાત્ર પરિણામોનું આ પ્રમાણપત્ર છે.
મુન્દ્રા પોર્ટ કાર્યક્ષમ સંચાલન દ્વારા વૈશ્વિક વેપારના લેન્ડસ્કેપમાં અગ્રણી બંદર તરીકે શ્રેષ્ઠ કામગીરી દ્વારા ગ્રાહકોના સંતોષને પ્રાથમિકતા આપતુ રહ્યું છે.