રાજસ્થાનના જેસલમેરમાં અદાણીનો 700 મેગાવોટના પવન- સૌર – હાઇબ્રીડ પ્લાન
રાજસ્થાનના જેસલમેર ખાતે અદાણી સમૂહના રિન્યુએબલ અંગ અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) નો ચોથો વિન્ડ-સોલર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ હવે સંપૂર્ણ રીતે કાર્યરત થયો છે અને તેની સંપત્તિનું મૂડીકરણ થયું છે. નવા ઉમેરાયેલા આ હાઇબ્રિડ પાવર પ્લાન્ટની સંયુક્ત કાર્યાન્વિત ઉત્પાદન ક્ષમતા 700 મેગાવોટ છે અને 25 વર્ષ માટે કીલોવોટ હોર્સપાવરના રૂ.3.24 લેખે પાવર પરચેઝ એગ્રીમેન્ટ ધરાવે છે.
આ નવો હાઇબ્રિડ પાવર પ્લાન્ટ 600 મેગાવોટના સૌર અને 510 મેગાવોટના વિન્ડ પ્લાન્ટનો બનેલો છે. અદ્યતન હાઇબ્રિડ પ્લાન્ટ સૌર ઉર્જામાંથી મહત્તમ વીજળી ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે બાયફેસિયલ સોલાર પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકર્સ (HSAT) સિસ્ટમ્સ જેવી અદ્યતન રીન્યુએબલ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાન્ટ એક જ સ્થાને છે અને તેની ડિઝાઇન ઓછામાં ઓછા 50% ની CUF પહોંચે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ભારતમાં કોઈપણ રિન્યુએબલ પ્રોજેક્ટનો આ સૌથી વધુ CUF છે. આ પ્લાન્ટ રીન્યુએબલ એનર્જીની શક્યતાનો ઉપયોગ કરીને ઉત્પાદન આડેના વિક્ષેપને ઉકેલવા સાથે વધતી જતી વીજ માંગને પહોંચી વળવા વધુ ભરોસાપાત્ર ઉકેલ પૂરો પાડે છે. આ સાથે AGELનો કાર્યાન્વિત પવન-સૌર હાઇબ્રિડ પોર્ટફોલિયો હવે 2,140 મેગાવોટના વિશ્વના સૌથી મોટા ઉત્પાદનના આંકને આંબી ગયો છે.
AGEL પાસે હવે વિશ્વના સૌથી મોટા 700 મેગાવોટના પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્લાન્ટના સફળ સંચાલન સાથે ભારતમાં 8,024 મેગાવોટ સાથેનો સૌથી મોટો ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિયો છે. આ પ્લાન્ટ AGELની 100% પેટા કંપની અદાણી હાઇબ્રિડ એનર્જી જેસલમેર ફોર લિ. હેઠળ છે.