પ્રતિ કિલો સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો: ગુજરાત ગેસ પણ ભાવ વધારો ઝીંકશે
અદાણી ગેસ કંપની દ્વારા સીએનજીની કિંમતોમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકો પર બોજ પડ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત ગેસ સહિતની અન્ય કંપનીઓ દ્વારા પણ સીએનજીની કિંમતોમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.
એલપીજી, સીએનજી અને પીએનજી ગેસ કંપનીઓ દ્વારા હવે દર મહિને ભાવમાં ફેરફાર કરવામાં આવે છે.દરમિયાન અદાણી ગેસ દ્વારા ગઇકાલે સીએનજીની કિંમતોમાં 80 પૈસાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
હવે નવા ભાવ રૂ.75.09 થઇ ગયા છે. જો કે, અન્ય એકપણ ગેસ કંપની દ્વારા સીએનજીની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં ગુજરાત ગેસ દ્વારા સીએનજીની કિંમતોમાં નજીવો ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
એક તરફ આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ ઘટવા છતાં ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઇ જ પ્રકારનો ઘટાડો કરવામાં આવતો નથી. બીજી તરફ સીએનજીની કિંમતમાં બે મહિના પહેલા સામાન્ય ઘટાડો કરાયા બાદ ફરી વધારાની મોસમ શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અદાણી ગેસ દ્વારા સીએનજીની કિંમતમાં વધારો કરાયા બાદ અન્ય કંપનીઓ પણ ભાવ વધારો કરે તેવી શક્યતા હાલ નકારી શકાતી નથી.