• કચ્છમાં ચેકડેમ તળાવ નવસર્જન કુદરતી જળસ્ત્રોતને પુન:જીવીત કરી વરસાદના પાણીના એક ટીપાને એળે નહીં જવા દેવાય

કચ્છમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જે કોઈ પ્રયત્ન કરશે તે કોઈ દિવસ એળે  કે અલેખે નહીં જાય.  કચ્છ પ્રદેશ જળ સમસ્યા સાથે સતત સંઘર્ષ કરતો રહ્યો છે. જ્યારે કુદરત અનરાધાર વરસે ત્યારે ધરતી પર તૈયાર જેટલા પણ ઠામ હોય તે ભરી દે છે. નર્મદાનાં નીરને પણ જો સમજણથી નહીં વાપરીએ તો સમસ્યા ઊભી કરશે. હજુ જ્યાં આ નર્મદાનાં નીર નથી પહોચ્યાં ત્યાં વરસાદી પાણીના સંગ્રહ સિવાય કોઈ રસ્તો જ નથી. અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના 6 તાલુકામાં વરસાદી પાણીના સંગ્રહ માટે 24 કામોનો આરંભ કરવામાં આવ્યો છે.

આગામી ચોમાસા પહેલા કચ્છના મુંદરા, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા અને ભુજ એમ કુલ છ તાલુકાનાં 21  ગામોમાં 24 જેટલા જળ સંગ્રહના કામોનો શુભારંભ સોમવારના શુભ દિને કરવામાં આવ્યો. જેમાં ચેકડેમ, તળાવ રિનોવેશન, અનુશ્રવણ તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય તે લક્ષ્યાંકથી કામગીરી કરવામાં આવશે. કચ્છમાં વરસાદના એક એક ટીપાને રોકવાના સામૂહિક પ્રયાસો થશે ત્યારે જ મોટી સફળતા મળશે. બેંગલોર જેવા શહેરમાં પાણીની આફતની ઘંટડી વાગી ચૂકી છે. હવે તે સમય દૂર નથી કે સમગ્ર વિશ્ર્વ પાણીની સમસ્યાના સકંજામાં આવી જશે. આ સમસ્યા સામે સહિયારા પુરુષાર્થ સિવાય ઉકેલ આવશે નહીં. એટલે જ્યાં જેટલું વધારે કામ થશે ત્યાં ભવિષ્યમાં પાણીની સમસ્યાને હળવી કરી શકશે. લોકોની ભાગીદારી વધારવા અને તેમનામા જાગૃતતા લાવવા માટે પણ તેઓને સાથે જોડાવા જ પડશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્થાનિકે સહકાર મેળવવા માટે ગ્રામ પંચાયત, આગેવાનો તેમજ જળ સંગ્રહના કામોમાં રસ ધરાવતા લોકોને સાથે રાખીને પૂરતી સમજ સાથે જોડવામાં આવ્યા છે.

આ અગાઉ ઘર આંગણે વરસાદી પાણી સંગ્રહી શકાય તેવા 10000 લીટર સંગ્રહ ક્ષમતાવાળા 75થી વધારે ભૂગર્ભ ટંકાઓનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. દરિયા કિનારે આવેલ માંડવી તાલુકાનું મોઢવા ગામમાં સૌથી વધારે 150 જેટલા ઘરોમાં ભૂગર્ભ ટંકાઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઝરપરા, ભુજપુર મોટી-નાની, ધ્રબ, બોરાણા વાડી વિસ્તારમાં કામો ચાલુ છે.  અત્યાર સુધીમાં 300 થી વધારે ટાંકા પૂર્ણ કરી લીધા છે જેના મીઠા પાણી લોકો પીવે છે. જેના લીધે પાણીજન્ય બીમારીઓમાંથી છુટકારો મળ્યો છે.

અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું કે જે પાણીને દરિયામાં કે રણમાં જતું અટકાવીશું એ જ પાણી આપણું છે. જે વહી જશે તે ઉપયોગમાં નહીં આવે. આ કામોને લીધે જમીનમાં ભેજ સંગ્રહને કારણે ઘાસચારો અને કુદરતી વૃક્ષોને પૂરતો ભેજ મળી રહેવાને કારણે ગ્રીન બેલ્ટ ઊભો થશે.

આ કામગીરીને કારણે 21 જેટલા ગામોમાં 24 જળ સંગ્રહના કામો થકી 1,80,000  ઘનમીટર પાણીનો સંગ્રહ થશે જેનાથી આશરે 650થી વધારે  ખેડૂતો તથા 1200 થી વધારે એકર જમીનને તેનો ફાયદો થશે.  જેના લીધે આ જળ સંગ્રહની આજુબાજુ હરિયાળી ઊભી થશે.

આ સમગ્ર કામગીરી માટેની તાંત્રિક જવાબદારી વિજયભાઈ ચૌહાણ ઉઠાવી રહ્યા છે જ્યારે આ કામો સમયસર પૂર્ણ થાય તે માટે અદાણી ફાઉન્ડેશનની સમગ્ર ટીમ અને ગામલોકો કટિબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.