કોલસાના ભાવ વધારાનું કારણ આપીને અદાણી, એસ્સાર, ટાટાને ગુજરાત સરકારને વર્તમાન કરારના ભાવે વીજળી આપવાનું બંધ કર્યા બાદ સરકારે રચેલી કમિટીની ભલામણોને ધ્યાને લઇ સરકારે આ ત્રણેય કંપની પાસેથી ખરીદાતી વીજળીના પ્રવર્તમાન વીજ દરમાં પ્રતિ યુનિટ 40થી 80 પૈસા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. આની સીધી અસર ગ્રાહકો પર પડશે.
સુપ્રીમ કોર્ટે ત્રણેય કંપનીઓને વીજ દરમાં વધારો કરવાનો ઇન્કાર કરાયા બાદ રાજ્ય સરકારે કમિટીની રચના કરી હતી અને આ કમિટીની ભલામણોનો સરકારે મહદઅંશે સ્વીકાર કર્યો છે. સરકાર હવે ત્રણેય કંપનીઓને બોલાવીને સુધારેલા દર સાથેનો નવો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કરશે જેમાં એવી શરત મુકાશે કે 10 વર્ષ પછી આ પીપીએ રદ કરવાનો સરકારને સંપૂર્ણ અધિકાર રહેશે.
વીજળીની ખરીદી અંગે પણ સરકારનું નિયંત્રણ રહેશે. હાલ કોલસાનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 100 ડોલર છે, 110 ડોલર સુધીનો ભાવ થાય ત્યાં સુધી જ વધારાનો ભાવ કંપનીઓને મળશે.