હિંડનબર્ગે વધુ એક બોમ્બ ફોડ્યો
ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અને તેના સહયોગીઓએ મોરેશિયસ રૂટનો ઉપયોગ કરી શેરના ભાવમાં હેરાફેરી કરી હોવાનો આક્ષેપ: રોકાણકારોનો વિશ્વાસ વધારવાના અદાણીના પ્રયાસો સફળ રહ્યા બાદ વધુ એક ઝટકો
અદાણી એક તરફ રોકાણકારોનો વિશ્વાસ વધારવા મથામણ કરી રહી છે. તેની મહેનત સફળતાની દિશામાં છે. તેવામાં હિંડનબર્ગે વધુ એક બોમ્બ ફોડ્યો છે. હિંડનબર્ગે આરોપ લગાવ્યો છે કે અદાણીએ મોરેશિયસની મદદથી મની લોન્ડરિંગ સહિતની ગોલમાલ કરી છે.
મોરેશિયસ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓ તરીકેની તેમની ઓળખને દૂર કરવા માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે. જો કે, તે ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અને તેના સહયોગીઓ પર મની લોન્ડરિંગ અને શેરના ભાવમાં હેરાફેરી માટે મોરેશિયસ રૂટનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
હિન્ડેનબર્ગ રિપોર્ટમાં કેરેબિયનથી યુએઈ સુધીના શેલ કંપનીઓના નેટવર્કનો ઉલ્લેખ છે. પરંતુ વધુમાં એવું કહેવામાં આવ્યું છે કે મોરેશિયસની ઓફશોર કંપનીઓએ ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. અમેરિકન શોર્ટ સેલરનો આરોપ છે કે વિનોદ અદાણી સાથે જોડાયેલી 38 કંપનીઓ મોરેશિયસ સ્થિત છે. હિંડનબર્ગ દાવો કરે છે કે આમાંથી કેટલાક પૈસા ભારતની બહાર ખસેડવા માટે ઉપયોગમાં લેવાયા હતા અને પછી આ નાણાંનો ઉપયોગ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવને વધારવા માટે કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકન શોર્ટ સેલરના અહેવાલ પહેલા અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
સૌથી વધુ ફાયદો તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો હતો, જેણે 2600 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, જે નિફ્ટી 50 ઇન્ડેક્સ કરતાં 41 ગણો વધુ હતો. જો કે, 24 જાન્યુઆરીએ જાહેર કરાયેલ હિંડનબર્ગ રિપોર્ટ પર, જૂથે 29 જાન્યુઆરીએ તેના 413 પાનાના જવાબમાં જણાવ્યું હતું કે વિનોદ અદાણીની જૂથની રોજિંદી કામગીરીમાં કોઈ ભૂમિકા નથી. ગ્રૂપના મતે, વિદેશી કંપનીઓ અદાણી ગ્રૂપની કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડર્સ છે અને તે કોઈપણ રીતે પ્રમોટર્સ સાથે સંબંધિત નથી.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ મુશ્કેલીઓનો સામનો કરી ફરી બેઠું થઈ રહ્યું છે. તાજેતરમાં જ અદાણી ગ્રુપે શેરોનો હિસ્સો વહેંચીને ફંડ મેળવ્યુ હતું. આ ઉપરાંત દેવું પણ ભરપાઈ કર્યું હતું. હવે ફરી અદાણીની મુશ્કેલીમાં વધારો થાય તેવા આક્ષેપ હિન્દનબર્ગ દ્વારા કરવામાં આવ્યા છે.
અદાણી ગ્રુપની 4 કંપનીઓના શેરના ભાવમાં કડાકો
અદાણી ગ્રુપની 10માંથી 4 કંપનીઓના શેરના ભાવમાં આજે કડાકો બોલ્યો છે. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 3.3 ટકા, અદાણી પોર્ટના શેરમાં 2.75 ટકા, અંબુજા સિમેન્ટના શેરમાં 1.25 ટકા અને એસીસી સિમેન્ટના શેરમાં 1.50 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે બીજી 6 કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો નોંધાયો છે.