અદાણી ગ્રુપ હાલ પોતાનું ખાતું ચોખ્ખું કરવામાં કમર કસી રહ્યું છે. જેને પગલે ગ્રુપે શેર ગીરવે મૂકીને લીધેલી રૂ. 18 હજાર કરોડની લોન ચૂકવી દીધી હોવાનું જાહેર થયું છે.અદાણી ગ્રુપે અહેવાલ આપ્યો હતો કે તેણે માર્જિન-લિંક્ડ શેર-બેક્ડ ફાઇનાન્સિંગમાં 2.15 બિલિયન ડોલરની ચુકવણી કરી છે. તે ચૂકવવા માટે જૂથ પાસે 31 માર્ચ 2023 સુધીનો સમય હતો પરંતુ અદાણી ગ્રુપે આ લોનની ચુકવણી સમય પહેલા કરી દીધી છે.
હિંડનબર્ગનો અહેવાલ બહાર આવ્યો ત્યારથી અદાણી ગ્રુપ પોતાની છબી સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ગ્રૂપે તાજેતરમાં ગ્રૂપ કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. આ નવા પગલાને એ જ સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. જૂથે માહિતી આપી છે કે અંબુજા સિમેન્ટના સંપાદન માટે 500 મિલિયન ડોલરની સહાય પણ ચૂકવવામાં આવી છે.
આ માહિતી જાહેર કરતાં અદાણી ગ્રૂપે કહ્યું છે કે આ નવું પગલું પ્રમોટરો દ્વારા ઇક્વિટી વધારવાની બાબતને મજબૂત બનાવે છે. નોંધનીય રીતે આ ચુકવણી સાથે અંબુજા અને એસીસીના સંપાદન માટેના 6.6 બિલિયન ડોલરમાંથી 2.6 બિલિયન ડોલર એકલા પ્રમોટરો પાસેથી છે.
આ માહિતી એવા સમયે આવી છે જ્યારે અદાણી ગ્રૂપ દ્વારા અંબુજા સિમેન્ટમાં 4-5 ટકા હિસ્સો વેચવાની ચર્ચા જોરમાં છે. એક મીડિયા રિપોર્ટ મુજબ દેવું ઘટાડવા માટે જૂથ અંબુજા સિમેન્ટમાં 4 થી 5 ટકા હિસ્સો 450 મિલિયન ડોલરમાં વેચી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અદાણી જૂથે 9 માર્ચે 500 મિલિયન ડોલરની બ્રિજ લોન ચૂકવી છે. આ જ મહિનામાં અમેરિકન ફર્મ જીકયુજી એ અદાણી ગ્રુપની 4 કંપનીઓના શેર 15,446 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ બ્લોક ડીલ બાદ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
અદાણી ગ્રુપે રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા માટે લોનની પૂર્વ ચુકવણી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. અદાણીએ 7374 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી છે. બીજી તરફ અદાણી પોર્ટ્સે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની 1500 કરોડની લોન સમય પહેલા ચૂકવી દીધી હતી. કંપનીએ કહ્યું છે કે તે તેના બાકીના દેવાની ચૂકવણી સમય પહેલા કરશે. તે જ સમયે, અદાણી જૂથે રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે સિંગાપોર, હોંગકોંગ, દુબઈ, અમેરિકા, લંડનમાં રોડ શો કર્યા છે. સિંગાપોર અને હોંગકોંગમાં ફિક્સ્ડ ઇન્કમ રોડ શો પછી તેઓએ વધુ ત્રણ દેશોમાં રોડ શો કરવાનું નક્કી કર્યું હતું. રોડ શો દ્વારા તે રોકાણકારોને ખાતરી આપવા માંગે છે કે તેમની કંપનીની સ્થિતિ મજબૂત છે.