અભિનેતા સંજય દત્તે કેન્સરની બિમારીને મ્હાત આપવામાં સફળતા મેળવી છે. ચોથા સ્ટેજમાં પહોંચેલુ તેમનુ કેન્સર મટી ગયું છે. તેમના નજીકના મિત્ર અને વેપાર વિશ્લેષક રાજ બંસલે એ આ માહિતી આપી છે.
સોમવારે, 61 વર્ષીય સંજય દત્તની પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી (પીઈટી) અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં તે કેન્સર મુક્ત હોવાનું જણાયું છે. પીઈટી સ્કેન એ કેન્સરનું સૌથી અધિકૃત પરીક્ષણ માનવામાં આવે છે, તે પીડિતાના કેન્સરના કોષોની સચોટ સ્થિતિ દર્શાવે છે.કેન્સરના કોષોમાં અન્ય કોષો કરતા મેટાબોલિક દર વધારે હોય છે. રાસાયણિક પ્રવૃત્તિના આ ઉચ્ચ સ્તરને કારણે, કેન્સરના કોષો પીઈટી સ્કેન પર તેજસ્વી ફોલ્લીઓ તરીકે દેખાય છે. આને કારણે, પીઈટી સ્કેન કેન્સરને શોધવા માટે ઉપયોગી છે, તેમજ કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે તે પણ જાણી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતાં 8 ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના કેટલાક પરીક્ષણો કરાયા હતા. ત્રણ દિવસ પછી, 11 ઓગસ્ટના રોજ, બહાર આવ્યું હતું કે તેને ફેફસાનું કેન્સર છે.
કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
અહેવાલો અનુસાર, સંજય દત્ત ચોથા તબક્કાના કેન્સરથી પીડિત હતો અને તેની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે, તેણે અથવા તેના પરિવારે આની પુષ્ટિ કરી નથી. સંજય દત્તની માંદગીના સમાચાર મીડિયામાં આવ્યા બાદ તેની પત્ની માનતાએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.
જો કે ત્યાર બાદ માનતા દત્તે પોસ્ટમાં લખ્યું હતું કે, “સંજુની તંદુરસ્તી માટે પ્રાર્થના કરનારા તમામ લોકોનો હું આભાર માનું છું. મુશ્કેલીની આ ઘડીમાંથી બહાર આવવા અમને તમારી પ્રાર્થનાની જરૂર છે. પરિવારે પહેલા પણ ઘણું સહન કર્યું છે, પરંતુ મને ખાતરી છે કે આ સમય પણ પસાર થઈ જશે. મારી વિનંતી છે કે સંજુના ચાહકોએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્તે થોડાં દિવસ પહેલાં એક વીડિયોમાં પહેલીવાર પોતાની બીમારી વિશે વાત કરી હતી. સેલિબ્રિટી હેર સ્ટાઈલિશ અલીમ હકીમે સંજય દત્તનો એક વીડિયો તેના સોશ્યલ મીડિયા પેજ પર શેર કર્યો હતો.જેમાં સંજય દત્તે અલીમની બધા સાથે ઓળખાણ કરાવી હતી અને પછી એમના કપાળ પર નિશાન બતાવતાં કહ્યું હતુ કે “આ મારા જીવનનો તાજેતરનો નિશાન છે, પણ હું તેને હરાવીશ. હું જલ્દીથી કેન્સરથી છૂટકારો મેળવીશ.