ટીવી શો નિમકી મુખિયામાં ઈમરતી દેવીનું પાત્ર ભજવતી અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન થતાં ઈંડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. રીટા ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતા. રીટાનું ૬૨ વર્ષની ઉંમરે કિડની ફેલ થતાં અવસાન થયું છે. રીટાના નિધન અંગેની જાણકારી સીનિયર એક્ટર શિશર શર્માએ ફેસબુક પર પોસ્ટ કરીને આપી છે.
શિશિર શર્માએ લખ્યું કે, જણાવતાં ખૂબ દુ:ખ થાય છે કે રીટા ભાદુરી આપણી વચ્ચે નથી રહી. તેમના અંતિમ સંસ્કાર ૧૭ જુલાઈએ બપોરે ૧૨ વાગ્યે અંધેરી ઈસ્ટ, મુંબઈમાં કરવામાં આવશે. અમારા બધા માટે તે મા સમાન હતી. તેમની ખૂબ યાદ આવશે.
રિપોર્ટ પ્રમાણે, છેલ્લા થોડા દિવસથી રીટાની તબિયત ખરાબ હતી. તેમની કિડનીમાં પ્રોબ્લેમ હતો. જેના કારણે દર બીજા દિવસે રીટાને ડાયાલિસિસ માટે જવું પડતું હતું, તબિયત ખરાબ હોવા છતાં રીટા શૂટિંગ પર આવતી હતી. જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે આરામ કરતા હતા. રીટાનું કામ પ્રત્યેનું સમર્પણ જોઈને નિમકી મુખિયાનું શૂટિંગ તેમની સગવડ પ્રમાણે કરવામાં આવતું હતું.
રીટાએ એક ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વૃદ્ધાવસ્થામાં આવતી બીમારીઓથી ડરીને કામ કરવાનું ન છોડી શકાય. મને કામ કરવું અને વ્યસ્ત રહેવું પસંદ છે. મને દરેક સમયે મારા ખરાબ સ્વાસ્થ્ય વિશે વિચારવું પસંદ નથી. એટલે જ હું પોતાની જાતને વ્યસ્ત રાખું છું.
હું નસીબદાર છું કે મને સપોર્ટિવ અને સમજવાવાળી કાસ્ટ અને ક્રૂ સાથે કામ કરવાની તક મળી છે. આવા લોકો સાથે કામ કરવું જ તમને વધુ સારું કામ કરવા માટે પ્રેરે છે. જણાવી દઈએ કે, શો નિમકી મુખિયાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
રીટા ભાદુરીએ અમાનત, કુમકુમ, છોટી બહુ, હસરતેં વગેરે જેવા ટીવી શોમાં કામ કર્યું છે. રીટા ભાદુરીએ હિંદી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ નામ કમાવ્યું હતું. રીટા ભાદુરીએ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ, ગરવી નાર ગુજરાતણ, જાગ્યા ત્યારથી સવાર, પારકી જણી, દોરે ત્યાં જાય દીકરી ને ગાય વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.