ભાજપનાં નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજકોટમાં શાહી સ્વાગત: શહેર અને જિલ્લા ભાજપમાં દિવાળી જેવો માહોલ છવાયો
પાટીલને આવકારવા ભાજપની વિશાળ બાઇક રેલી મહિલા કાર્યકરોએ ગરબે ઘુમી પ્રદેશ પ્રમુખને આવકાર્યા
સી.આર. પાટીલની રાજકોટ મુલાકાતથી કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો, બેઠકમાં કાર્યકરોને જ શિરોમાન્ય ગણાવતા પાટીલ
ભાજપનાં નવનિયુકત પ્રદેશ પ્રમુખની રાજકોટ મુલાકાત યાદગાર એભારણુ બની રહ્યું છે. અહિ પ્રમુખ સી.આર. પાટીલનું શાહિ સ્વાગત કરી તેમને ભાવભેર આવકાર આપવામાં આવ્યો હતો. સામે પ્રમુખે પણ કાર્યકરોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. અને ભાજપ માટે કાર્યકરોજ સર્વેસર્વા હોવાનું જણાવી તેઓની સરાહના કરી હતી.
ભાજપ પ્રદેશની જવાબદારી સંભાળ્યા બાદ સી.આર.પાટીલ પ્રથમ વખત સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા છે. જેમા ગઇકાલે સાંજે તેઓએ ખોડલધામની મુલાકાત લીધી હતી. જયા તેઓએ દર્શનનો લાભ લીધો હતો. સાથે નરેશ પટેલની મુલાકાત પણ લીધી હતી. આ વેળાએ અનેક ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાથી તેઓએ રાજકોટ તરફ પ્રયાણ કર્યુ હતુ. આ દરમિયાન ગોંડલ, રીબડા સહિતના અનેક જગ્યાએ તેઓનું ભાવભેર સ્વાગત કરી મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. બાદમાં ગોંડલ ચોકડીએ ભાજપના કાર્યકરો દ્વારા તેઓનું અદકેરૂ સ્વાગત કરાયુ હતુ. આ દરમિયાન વિશાળ બાઇક રેલી પણ યોજવામાં આવી હતી. આ બાઇક રેલી દરમિયાન ઠેર ઠેર નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું સ્વાગત થયુ હતુ.
આ વેળાએ કાર્યકરોએ ફટાકડા યોડી તેમજ નગારાના તાલે ગરબે ઘુમીને જશ્ન મનાવ્યો હતો. કાર્યકરોનો આવો ઉત્સાહ જોઇને સી.આર.પાટીલ પણ અભિભૂત થઇ ગયા હતા. બાદમાં આત્મીય કોલેજ ખાતે તેઓનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જયા તેઓએ ભાજપ પક્ષમાં કાર્યકરો જ સર્વસેર્વા હોવાનુ જણાવ્યુ હતુ. સાથે આજે ભાજપ જે સ્થાન મેળવ્યુ છે. તેની પાછળ કાર્યકરોની મહેનત હોવાનુ કહ્યુ હતુ.
વધુમાં નવનિયુકત પ્રદેશ પ્રમુખે બેઠકો દરમિયાન કાર્યકરોના પ્રશ્ર્નો સાંભળ્યા હતા. અને આ પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ કરવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલની મુલાકાતને પગલે કાર્યકરોને ઉત્સાહ બેવડાયો છે. સામે કાર્યકરોને ઉત્સાહ જોઇને સી.આર. પાટીલ પણ અભિભૂત થયા છે.
૧૮૨ બેઠકો જીતી ઇતિહાસ રચવા પાટીલનું આહવાન
આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજયની તમામ ૧૮૨ બેઠકો ઉપર કેસરીયો લહેરાવીને ઇતિહાસ રચવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અગ્રણીઓ અને કાર્યકરોને આહવાન કર્યુ છે. સાથે તેઓએ કડક શબ્દોમાં એમ પણ કહ્યુ હતુ કે તમામે એકસંપથી પક્ષ માટે અને પ્રજા માટે કામ કરવાનુ છે. જુથવાદ જરી પણ ચલાવી લેવામાં આવશે નહી.
વિધાનસભાની તમામ ૧૮૨ સીટ પર જીત મેળવવાનો અમારો સંકલ્પ: સી.આર. પાટીલ
અમારી પાસે હજુ બે વર્ષનો સમય; બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓનાં ઉત્સાહથી અમે અમારો સંકલ્પ સિધ્ધિ કરીશું પાટીલ; નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખે રાજકોટના પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદ સંબોધી
પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની નિયુકિત બાદ સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા સી.આર. પાટીલે ગઈકાલે રાજકોટ શહેર ખાતે આગમન કર્યું છે. સી.આર.પાટીલને વધાવવા શહેરમાં મરચકક કાર્યક્રમો ગોઠવાયા હતા. તે અંતર્ગત ગઈકાલે ભવ્ય રેલી યોજાઈ હતી. જયારે આજે સી.આર. પાટલે સવારે ૧૦.૦૦ કલાકે મીડીયાના મિત્રોને સંબોધ્યા હતા.
રાજકોટ મહાનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સી.આર. પાટીલે ભાજપના કાર્યો અને સંકલ્પો જણાવ્યા હતા. આ તકે તેઓએ કહ્યું કે મેં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન અનેક જગ્યાએ દર્શનનોલાભ લીધો. દર્શન કરવાથી આપણામાં આત્મવિશ્ર્વાસ વધતો હોય છે. વધુમાં જણાવ્યું હતુ કે અમે આવનારા દિવસોમાં અમારા સંકલ્પને પરિપૂર્ણ કરવા આગળ વધીશું. ભારતીય જનતા પાર્ટી જયારે વિશ્ર્વની સૌથીમોટી પાર્ટી તરીકે ઉભી છે. ત્યારે અમે અમારા કાર્યકર્તાઓનાં સહારે અમારો સંકલ્પ ચોકકસપણે પૂર્ણ કરી શકીશું અમારો સંકલ્પ વિધાનસભાની તમામ ૧૮૨ સીટ હાંસલ કરવાનો છે. જે માટે અમારી પાસે હજુ બે વર્ષનો સમય છે. આ બે વર્ષનાં સમયગાળા દરમ્યાન અમે અને અમારા કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી આગળ વધીશું આ ઉપરાંત ગુજરાત રાજયમાં અમારા ૧.૧૩ કરોડ સક્ષમ કાર્યકર્તાઓ છે. જેઓનાં જબરજસ્ત ઉત્સાહથી અમે અમારો સંકલ્પ આસાનીથી પૂર્ણ કરી શકીશું.
પ્રવાસ અંગેની વાત કરતા જણાવ્યું હતુ કે બે દિવસમાં નવ જિલ્લાઓનો પ્રવાસ પૂર્ણ કયો છે. અને આગામી ઉતર ગુજરાત બાદ અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારનો પ્રવાસ કરીશ. પ્રવાસ દરમ્યાન કાર્યકર્તાઓના જે સજેસનો મળ્યા છે.તેનો ચોકકસ પણે અમલ કરીશું તથા સમસ્યાઓનો ઉકેલ લાવીશું વધુમાં જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટીમાં જુથવાદ ચલાવી દેવાશે નહિ. કાર્યકર્તાઓને પણ જુથવાદમાં સામેલ ન થવા સુચના અપાઈ છે.
વધુમાં પાટીલે કહ્યુંં હતુ કે કોઈપણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર ભારતીય જનતા પાર્ટી સંગઠન સાથે આગળ વધશે તેમજ ટિકિટ લાયકાતના આધારે અને કામગીરીના આધારે જ આપવામાં આવશે. કાર્યકર્તાઓની વાત પણ સાંભળવામાં આવશે અંતમાં પાટીલે જણાવ્યું હતુ કે અગાઉનાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓની કુશળ કામગીરી કરી જ પક્ષ આજે સૌથી મોટી પાર્ટી બન્યો છે.