નાનામવા, પુષ્કરધામ મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ૧૦ થી ૧૨ આસામીઓ પાસેથી કર્યા રૂપિયા ૪૦ હજારથી લઈ રૂ.૯૮ હજારના ઉઘરાણા: લોકોને સાવચેત રહેવા મેયરની તાકીદ
મહાપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયાની અમલવારી કરવામાં આવી છે. નવા કરમાળખા બાદ જે લોકોના વેરામાં વધારો થયો છે તેવા લોકોને વેરામાં ઘટાડો કરી આપવાની અને નવા બાંધકામ હોય તેઓને ઝડપથી કમ્પલીશન અપાવી દેવાની લાલચ આપી હજારો રૂપિયાની છેતરપિંડી કરતો શખ્સ સક્રિય બન્યો હતો. કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારના ચાર્જીસ ઘેર આવીને વસુલવામાં આવતા ન હોય શહેરીજનોને સાવચેત રહેવા માટે મેયર બીનાબેન આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, છેલ્લા દસેક દિવસથી મારા સુધી એવા મતલબની ફરિયાદ પહોંચી છે કે શહેરના વોર્ડ નં.૧૦માં ક્રિષ્ના પાર્ક સોસાયટી, પુષ્કરધામ મેઈન રોડની આસપાસની સોસાયટી અને નાનામવા રોડ પર એક શખ્સ સફેદ શર્ટ અને સફેદ ટોપી પહેરીને ફરે છે. આ શખ્સ લોકોના ઘરે જઈ એવું જણાવે છે કે કાર્પેટ એરિયાની અમલવારી બાદ જો તમારો વેરો વઘ્યો હશે તો તે હું ઘટાડી આપીશ અને નવું બાંધકામ હોય તો તાત્કાલિક અસરથી કમ્પ્લીશન સર્ટીફીકેટ અપાવી દઈશ. આ શખ્સ પોતે કોર્પોરેશનમાં સર્વિસ કરતો હોવાનું અને પોતાનું નામ પટેલ સાહેબ હોવાનું જણાવી રહ્યો છે. ૧૦ થી ૧૨ લોકો પાસેથી આ શખ્સે રૂ.૪૦ હજારથી લઈ રૂ.૯૮ હજાર સુધીના ઉઘરાણા કરી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ અંગે પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને વેરો ઘટાડી દેવા અને કમ્પ્લીશન અપાવી દેવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા શખ્સને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
શહેરીજનોને અપીલ કરતા મેયરે જણાવ્યું હતું કે, આકારણી કે કમ્પ્લીશન સહિતના કોઈપણ પ્રકારના ચાર્જીસ કોર્પોરેશન દ્વારા ઘેર જઈને વસુલવામાં આવતા નથી છતાં કોઈ વ્યકિત ઘેર આવીને પૈસા માંગે તો શહેરીજનોએ રૂબરૂ કોર્પોરેશનની કચેરીએ જઈ સંબંધિત અધિકારીને મળવું અને પુરતી ચોકસાઈ અને ખાતરી કર્યા બાદ નિયમ મુજબની રકમ કોર્પોરેશનને નિયત કરેલા સ્થળે કરવી. જો કોઈ લેભાગુ તત્વ ઘરે આવીને મોટી રકમની માંગણી કરે તો પોલીસ, કોર્પોરેશનના પદાધિકારીઓ કે અધિકારીઓને જાણ કરવી. કોઈપણ પ્રકારના ચાર્જીસની રકમ ઘેર આવીને વસુલવાનો નિયમ છે જ નહીં. માટે શહેરીજનોને પુરતી સાવચેતી રાખવી.