મનદીપ ઇન્ડસ્ટ્રીઝ નામના એકમે બેન્ક ડિફોલ્ટર જાહેર થતા સરફેસિ એક્ટ હેઠળ કલેકટર તંત્રએ જપ્તીની કાર્યવાહી શરૂ કરી, ત્યાં જ ઇડીની પણ મિલ્કત જપ્તીની નોટિસ મળી: હવે કરવું શું ? તંત્ર પણ અવઢવમાં

ઉપલેટાની એક પેઢીની મિલ્કતની જપ્તીની કાર્યવાહી કલેકટર તંત્ર અને ઇડી બન્નેએ શરૂ કરી છે. જો કે હાલ કલેકટર તંત્ર મુંઝવણમાં મુકાયું છે કે ઇડીએ પ્રકરણમાં ઝંપલાવ્યું હોય, મિલ્કતની જપ્તી કરવી કે કેમ ?

પ્રાપ્ત થતી વિગત અનુસાર ઉપલેટા પંથકની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ યુનિયન બેન્કની રૂ. 44. 79 કરોડની લોન ચુકવવામાં અસમર્થ સાબિત થઈ હતી. જેને પરિણામે વર્ષ 2021માં બેન્ક દ્વારા કલેકટર સમક્ષ સરફેસિ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી. તે સમયે તત્કાલીન કલેકટર દ્વારા આ કાર્યવાહીને લીલીઝંડી આપી મામલતદારને મિલ્કત જપ્ત કરવાના પાવર ડેલીગેટ કર્યા હતા.

ત્યારબાદ મામલતદાર દ્વારા કબ્જો લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે બેન્કના પ્રતિનિધિ આ વેળાએ હાજર રહેતા ન હોય, અંતે બેન્કના પ્રતિનિધીએ નવી તારીખ આપી હતી જે તારીખે મિલ્કત જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે આ વેળાએ જ ઇડીનો એક પત્ર મળ્યો હતો. જેમાં ઇડીએ મિલકતનો કબ્જો લેવાનું જણાવ્યું હતું. ઇડીના આ પત્રને કારણે મામલતદારે જે તે સમયે મિલ્કત જપ્તીની કાર્યવાહીમાં પીછેહટ કરવી પડી હતી.

ત્યારબાદ મામલતદાર દ્વારા જિલ્લા કલેકટર પાસે હવે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. હાલ સુધી આ પ્રકરણ પેન્ડિંગ પડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે કલેકટર તંત્ર દ્વારા જે મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય, તેમાં જ ઇડીએ ઝંપલાવ્યું હોય, તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે કે મિલ્કત જપ્ત કરવી કે કેમ ? હાલ આ પ્રકરણ પેન્ડિંગ હાલતમાં પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.