ખેડૂત આંદોલનના પગલે આવતીકાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધના એલાનમાં દેશની મોટાભાગના વિરોધ પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. આવતીકાલે બંધના એલાનના પગલે થોડા અંશે વ્યવહારો ઠપ થાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાત ચાલુ રહેશે, બંધમાં કાયદો તોડશે તો કાર્યવાહી થશે. આ દરમિયાન સીએમ રૂપાણીએ બંધને લઈ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આંદોલન કરી રહ્યા છે. તેઓ પોતાનું અસ્તિત્વ દેખાડવા બંધમાં જોડાયા છે. રાજકીય પાર્ટીને આંદોલનમાં ન જોડવા ખેડૂતોએ કહ્યું હતું. કોંગ્રેસનું તો અસ્તિત્વ જ પુરુ થઈ ગયું છે. પ્રજા સાથેનો સંપર્ક કોંગ્રેસે ગુમાવ્યો છે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવે છે.
તેમણે કહ્યું હતું કે, ખરેખર આ આંદોલનમાં ખેડૂતોનું માત્ર નામ છે બાકી રાજકીય રીતે સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં બધુ ચાલુ રહેશે, બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.