- ગીર સોમનાથ પોલીસની કાર્યવાહીથી ગુનેગાર આલમમાં ફફડાટ
- પાંચેય આરોપીઓ અગાઉ લૂંટ, રાયોટિંગ સહિતના 41 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યાનો ખુલાસો
ગીર સોમનાથ પોલીસે 10 જેટલાં ગંભીર ગુનામાં સંડોવાયેલા કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ જેઠા મકવાણા આણી ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતા ગુનેગાર આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે. પોલીસે ગેંગ લીડર મહેશ મકવાણા, હરેશ દમણીયા, રમેશ ચુડાસમા, મુનાફ નજીર નોહવીની ધરપકડ કરી લીધી છે જયારે રફીક ઉર્ફે ભૂરો સેલોતની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 41 ગુના નોંધાઈ ચુક્યા છે.
ગીર સોમનાથ પોલીસે ગુજસીટોક અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સંગઠિત થઇ ગુનો આચરવા સંદર્ભે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 શખ્સો વિરુદ્ધ એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. આ પાંચ પૈકી 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. આરોપીઓમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથમાં એક સમાન ઇરાદો રાખીને સંગઠિત ગુના આચરતી ટોળકી સામે પોલીસે આકરી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સંગઠિત થઈ ગુનો આચરવા સંદર્ભે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા સહિત કુલ 5 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મહેશ જેઠાભાઇ મકવાણા, હરેશભાઇ ચીકુભાઇ ઉર્ફે સીદીભાઇ દમણિયા, રમેશભાઇ વિરાભાઇ ચુડાસમા, રફીક ઉર્ફે ભુરો સુલેમાનભાઇ સેલોત ઘાંચી અને મુનાફ ઉર્ફે મુનો નજીરભાઇ નોહવી સિપાઇ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસે આ કેસમાં 5 પૈકી 4 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, તમામ આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી આરોપી મહેશ મકવાણાની આગેવાની હેઠળ સંગઠિત ગુના આચર્યા હતા. આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર શહેર, કોડીનાર તાલુકા, ગીર ગઢડા પો.સ્ટે. તથા તાલાળા પો.સ્ટે. હદ વિસ્તારમાં ગંભીર પ્રકારનાં ગુનાઓ નોંધાયા છે, જેમાં રાયોટિંગ, મારામારી, ધાક ધમકી, લૂંટ, ખનિજ ચોરી, હથિયાર ધારા, સરકારી અધીકારી-કર્મચારીઓની ફરજ રૂકાવટ તથા ઇજા, ખંડણી, વાહન અકસ્માત પ્રકારનાં ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી.
મહેશ મકવાણા કોડીનાર બેઠક પરથી લડી ચુક્યો છે વિધાનસભા ચૂંટણી
ટોળકીના તમામ સભ્યો વિરૂધ્ધ નોંધાયેલા ગુનાની માહિતી મેળવી તેના અંતે એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ સરકાર તરફે ફરિયાદી બની કોડીનાર પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ટોળકીના પાંચ સભ્યો સામે ગુનો દાખલ થયો છે.જેમાંથી ગેંગ લીડર મહેશ સહિત ચાર સભ્યોની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહેશ મકવાણા કોંગ્રેસમાંથી અગાઉ વિધાનસભાની કોડીનાર બેઠકની ચૂંટણી લડયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગેંગ લીડર મહેશ વિરૂધ્ધ અત્યાર સુધીમાં ફરજમાં રૂકાવટ, લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના કુલ 10 ગુના નોંધાયેલા છે. આ તમામ ગુના કોડીનાર પોલીસ મથકમાં જ નોંધાયેલા છે.
ડિમોલીશન દરમિયાન મામલતદાર સાથે ઘર્ષણમાં ઉતરી ફરજમાં રૂકાવટ પણ કરી’તી
આ ગેંગના સભ્યો વિરુદ્ધ તાજેતરમાં જ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. કોડીનાર ખાતે ડિમોલીશનની કાર્યવાહી દરમિયાન ટોળકીએ મામલતદાર સાથે માથાકૂટ કરી હતી. ત્યારે મામલતદારની ફરજમાં રુકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ગેંગના પાંચ સભ્યો પૈકી મહેશ મકવાણા વિરુદ્ધ 10 ગુના, હરેશ ચીકુ ઉર્ફે સીદીભાઈ દમણીયા વિરૂધ્ધ ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ ઉપરાંત લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના 8 ગુના કોડીનાર અને ગિર ગઢડા પોલીસ મથકમાં નોંધાયા છે. રમેશ વીરાભાઇ ચુડાસમા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, લૂંટ સહિતના 6 ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. મુનાફ ઉર્ફે મુન્નો નજીરભાઈ નોહવી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતના 3 ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. વોન્ટેડ આરોપી રફીક ઉર્ફે ભૂરો સુલેમાન સલોત પણ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.તેના વિરૂધ્ધ ધાક ધમકી, મારામારી, લૂંટ, એટ્રોસિટી, ખૂનની કોશિષ સહિતના 15 ગુના કોડીનાર પોલીસ મથકમાં નોંધાયેલા છે.