- ડીજીપીની અધ્યક્ષતામાં યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યભરના સીપી, આઇજી અને એસપીની હાજરી: આકરો એક્શન પ્લાન ઘડાશે
- રાજ્યભરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરાશે
- ગુનેગારોની ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરી દેવાશે વીજ ચોરી માટે આકરો દંડ ફટકારવા તખ્તો તૈયાર
- વારંવાર ગુના આંચરતા લુખ્ખાઓ વિરુદ્ધ પાસા અને હદપારીના પગલાં લેવાશે
ગોધરા ખાતે આજે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાનાર છે. આજની કોન્ફરન્સ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ગત શનિવારે ડીજીપી દ્વારા રાજ્યભરની પોલીસને 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદ રાજ્યમાં 7612 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે બાદ આજે ક્રાઇમ કોન્ફરન્સમાં વારંવાર ગુના આચરતા તત્વો વિરુદ્ધ એક્શન પ્લાન ઘડવામાં આવનાર છે. જે બાદ ખાખી ગુનેગારોનો નશો ઉતારી દેવા મેદાને પડશે. ઉલ્લેખનીય છે કે, ખાખીની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આજની ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યભરના સીપી, આઇજી અને એસપી હાજર રહેનાર છે.
આજે ગોધરા ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. સામાન્ય રીતે દર મહિને ક્રાઈમ કોન્ફરન્સનું અલગ-અલગ શહેર-જિલ્લામાં આયોજન કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ગુનાખોરીનો ગ્રાફ સહિતની બાબતો અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી આગામી દિવસનો એક્શન પ્લાન ગણવામાં આવતો હોય છે. પરંતુ આજે ગોધરા ખાતે યોજવામાં જઈ રહેલી ક્રાયમ કોન્ફરન્સ અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
ગત શનિવારે રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યભરના પોલીસ કમિશનર, રેન્જ આઇ.જી. અને જિલ્લા પોલીસ વડાઓને સુચના આપવામાં આવી હતી કે આગામી 100 કલાકમાં તેમના વિસ્તારમાં વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવે. જેથી રાજ્યભરની પોલીસ દ્વારા કુલ 7612 ગુનેગારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આ 100 કલાક પૂર્ણ થયા બાદ આજે જ્યારે ડીજીપીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે ત્યારે આ ક્રાઈમ કોન્ફરન્સમાં અસામાજિક તત્વોની યાદી અનુસંધાને હવે આગામી એક્શન પ્લાન અંગે ચર્ચા થવા જઈ રહી છે.
પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરીને એક બાજુ આકરી કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે. અલગ-અલગ શહેર-જિલ્લામાં વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા ઈસમોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવા, ગેરકાયદે વીજ જોડાણ કટ કરી આકરો દંડ ફટકારવા સહિતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં હવે આગામી એક્શન પ્લાન અંગે બારીકાઈપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ખાખી ગુનેગારોનો નશો ઉતારવા મેદાને પડશે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે. આજની ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ કમિશનર રેન્જ, આઇ.જી. અને જિલ્લા પોલીસ વડા હાજર રહેનાર છે.
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: ગૃહ મંત્રી
ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે. રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી, તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે.
હેલ્પલાઇન જાહેર કરી ડ્રગ્સ માફિયાઓ સામે જંગ છેડાશે ત્રણ વર્ષમાં રૂ.8,547 કરોડનો માદક પદાર્થ ઝડપાયો
સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે. ત્યારે સંઘવીએ કહ્યુ કે, આગામી ટુંક સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના કોઇ પણ ખૂણેથી કોઇ પણ નાગરિક ડ્રગ્સની નાનામાં નાની માહિતી ગુપ્ત રીતે આપી શક્શે. આ તમામ માહિતી અંગે થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રી કક્ષાએથી થશે. ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારથી ત્રણ વર્ષના સમયગાળામાં 1,812 ગુનાઓમાં રૂ.8,547 કરોડના મુદ્દામાલ સાથે 2,564 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ 2,564 આરોપીઓ પૈકી 105 વિદેશી છે.
રાજ્યના 7612 અસામાજિક તત્વમાં કોનો કોનો સમાવેશ?
- 3264 – બુટલેગરો
- 516 – જુગારીઓ
- 2149 – શરીર સંબંધી ગુના આચરનાર તત્વો
- 958 – મિલ્કત સંબંધી ગુના આચારનાર તત્વો
- 179 – ખનન માફિયાઓ
- 545 – અન્ય ગુના આચરતા તત્વો