- ગત વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનું પુરુષના પ્રમાણમાં ઓછું મતદાન થયું હોય તેવા 907 મતદાન મથકો અને સરેરાશ 50 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવા 124 મતદાન મથકો
રાજકોટ જિલ્લામાં ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકો ઉપર ચૂંટણી તંત્રએ એક્શન પ્લાન ઘડયો છે. ત્યાં વિવિધ પગલાંઓ લઈને મતદાન વધારવા પ્રયાસો શરૂ કરશે. ખાસ કરીને ચૂંટણી તંત્રએ ગત વિધાનસભા ચૂંટણીનો સંદર્ભ લઈને આ લોકસભાની ચૂંટણીમાં જાગૃતિ ફેલાવવા આયોજન ઘડી કાઢ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યનું મતદાન 64.84 ટકા રહ્યું હતું. જ્યારે રાજકોટ જિલ્લાનું 60.63 ટકા મતદાન રહ્યું હતું. લોકસભા ચૂંટણી 2019માં દેશનું મતદાન 67.4 ટકા રહ્યું હતુ એટલે રાજકોટ જિલ્લામાં 2024માં લોકસભામાં 70 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો ઉપર વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવનાર છે. જેમાં આયોજનબદ્ધ રીતે સ્વીપ એક્ટિવિટી પણ કરવામાં આવશે.
વિધાનસભા 2022માં પુરુષ અને મહિલાના મતદાન વચ્ચે 10 ટકા તફાવત છે તેવા રાજકોટ જિલ્લામાં 907 બુથ છે. આવા બુથ ઉપર 100 પુરુષોની સાપેક્ષે 90 અથવા તેનાથી ઓછા મહિલાઓએ મતદાન કર્યું હતું. જેમાં રાજકોટ ગ્રામ્યના સૌથી વધુ 173 બુથ છે. ગ્રામ્ય વિસ્તારમાં જ મહિલાઓનું ઓછું મતદાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે. વિધાસભા 68માં 74 બુથ આવા છે. વિધાનસભા 69 માં આવા 77 બુથ છે. વિધાનસભા 70 માં આવા 101 બુથ છે. જ્યાં મહિલાઓનું મતદાન ઓછું થયું છે.
બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં આખા જિલ્લામાં 124 બુથ એવા છે જેમાં 50 ટકા કરતા ઓછું મતદાન થયું છે. તે બુથોને ટાર્ગેટ કરી ત્યાં મતદાન વધે તેવા પ્રયાસો કરવામાં આવનાર છે. 69 રાજકોટ પશ્ચિમમાં 32 બુથ એવા છે જ્યાં 50 ટકાથી ઓછું મતદાન થયું છે. ધોરાજીમાં 30 બુથ એવા છે આમ તમામ વિધાનસભામાં આવા 124 બુથ છે તેના ઉપર ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ચૂંટણી તંત્ર દ્વારા 4 આઇકોન્સની પસંદગી, જેઓ સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિ ફેલાવશે. ચૂંટણી તંત્ર દ્વારા 4 આઇકોન્સની પસંદગી કરવામા આવી છે. તેઓ સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિ ફેલાવશે. જેમાં પેરા ઓલમ્પિક સ્ટાર, પાવર વેઇટ લિફ્ટર રામ બાંભવા, શૈલેષ પંડ્યા– પીડબ્લ્યુડી, હિરેન રાઠોડ, ક્રિપાલસિંહ જાડેજા (ગામનો ડાયરો અને વાત ગુજરાતી) આ ચારને ચૂંટણી આઇકોન બનાવ્યા છે. તેઓ આજે અમદાવાદમાં વર્કશોપમાં હાજરી આપવા ગયા છે. જ્યાંથી તેઓ માર્ગદર્શન મેળવી જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે કામગીરી કરશે.
આગામી સોમવારે ફ્લાઈંગ અને સ્ટેટેટીક ટિમ સહિતના સ્ટાફની તાલીમ
ચૂંટણી પહેલા જિલ્લા તંત્ર તમામ સ્ટાફને તાલીમ આપી સજ્જ કરી રહ્યું છે. અગાઉ રિટર્નિંગ ઓફિસરોની તાલીમ પત્યા બાદ અન્ય સ્ટાફની પણ તાલીમ યોજવામાં આવી હતી. હવે આગામી સોમવારે બપોરના 3 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તાલીમ ગોઠવવામાં આવી છે. જેમાં જીલ્લાભરના 350 જેટલા ફ્લાઈંગ, સ્ટેટેટીક સહિતની ટીમોના સભ્યોને તાલીમ આપવામાં આવશે.
પોસ્ટલ બેલેટથી સુવિધા કેન્દ્ર ખાતે જ મત આપી શકાશે, ફોર્સને છૂટ
ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવતી પોસ્ટલ બેલેટ સુવિધામાં થતા દુરુપયોગને રોકવા માટે કર્મચારીઓ પોતાની પાસે બેલેટ પેપર લાંબા સમય સુધી રાખી શકશે નહીં અને તેઓ નક્કી કરેલા સુવિધા કેન્દ્રો ખાતે જ પોતાના મત આપી શકશે.ચૂંટણી પંચનું માનવું છે કે જો કર્મચારી પાસે લાંબા સમય સુધી પોસ્ટલ બેલેટ રહે તો ઉમદવાર તથા પક્ષો દ્વારા તેના પર વિવિધ પ્રલોભનો દ્વારા દબાણ બનાવવાની શક્યતા વધી જાય છે. એટલે હવે ફોર્સ સિવાય સરકારી કર્મચારીઓ સુવિધા કેન્દ્ર ખાતે જ પોસ્ટલ બેલેટથી મત આપી શકશે.