હોટલમાં ચાલતી લાલિયાવાડી પર પોલીસની તવાઈ
ત્રણ મહિનાનું રેકોર્ડીંગ નહિ રાખી પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ અંગેની ગુનો નોંધાયો
શહેરમાં આવેલી હોટેલ દ્વારા ચલાવવામાં આવતી લાલિયા વાડી પર પોલીસ વિભાગે લાલ આંખ કરી હોય તેમ ગઈકાલે અને હોટલોના દરોડા પાડ્યા હતા. જેમાંએ-ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવીમાં 3 માસનું રેકોર્ડિંગ નહીં રાખનાર હોટલોની સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. મોટાભાગે ગેરરીતિ કરતા તત્વો હોટલોમાં આશ્રય લેતા હોય પોલીસ દ્વારા એ-ડિવિઝન મથક હેઠળ આવતી જુદી-જુદી હોટલોમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં ત્રણ મહિનાનું રેકોર્ડિંગ નહીં રાખનારા જુદી-જુદી 7 હોટલોનાં માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર દ્વારા હોટલો માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામા અંતર્ગત તમામ હોટલોએ સીસીટીવીમાં છેલ્લા ત્રણ માસનું રેકોર્ડિંગ રાખવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જોકે આ જાહેરનામું હોવા છતાં કેટલાક હોટલ સંચાલકો તેનો અમલ કરતા નહીં હોવાની વાત ધ્યાને આપતા પોલીસ કમિશ્નર દ્વારા તપાસનાં આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત એ-ડિવિઝન પોલીસ દ્વારા હોટલોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સીસીટીવીમાં 3 માસનું રેકોર્ડિંગ નહીં રાખનાર જુદી-જુદી સાત હોટલોનાં માલિક સામે ગુનો નોંધાયો છે.
એ-ડિવિઝન પોલીસ રેકોર્ડિંગ નહીં રાખનાર કનક રોડની હોટલ જ્યોતિ, ભુપેન્દ્ર રોડની હોટલ ઉપાસના, જુના પાવર હાઉસ સામે હોટલ એમ્પાયર, સાંગણવા ચોકની હોટલ યુરોપા, કરણપરાની હોટલ સ્કાય અને સમ્રાટ હોટલ તેમજ ફાયર બ્રિગેડની સામે આવેલી ભક્તિ હોટલનાં સંચાલકો સામે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.