આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના નિવાસસ્થાને ઇડીના દરોડા પડ્યા છે. ઉપરાંત સુરક્ષા દળો પણ ત્યાં હાજર છે. ઇડીના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આપ નેતાની કયા કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
સતત બીજી વાર સિંઘના ઘરે ઇડીનું સર્ચ ઑપરેશન : અન્ય અનેક નેતાઓની પણ પૂછપરછ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડીના અધિકારીઓ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સંજય સિંહની પૂછપરછ કરી રહ્યા છે અને તેમના ઘરની સર્ચ કરવામાં આવી રહી છે. આ બીજી વખત છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સંજય સિંહના ઘરે પહોંચી છે.
ઇડીએ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સંજય સિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગત વખતે જ્યારે ઇડીની ટીમ સંજય સિંહના ઘરે પહોંચી હતી, ત્યારે આપ સાંસદે ઇડી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ અંગે સ્પષ્ટતા આપતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે ચાર્જશીટમાં રાહુલ સિંહની જગ્યાએ સંજય સિંહનું નામ ભૂલથી લખવામાં આવ્યું છે. જે બાદ આ મામલો અહીં જ ખતમ થઈ ગયો. જાન્યુઆરીમાં સીબીઆઈએ દિલ્હીના તત્કાલિન ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા.
આ જાણકારી સૌથી પહેલા ખુદ મનીષ સિસોદિયાએ આપી હતી. સિસોદિયાએ ટ્વિટ કરીને ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.