દેશના 70 જિલ્લાઓમાં કોરોનાના કેસ 150 ટકા જેટલા વધ્યા: અનેક રાજ્યોમાં કોરોના વેક્સિન બરબાદ થઈ રહી છે જેની સમીક્ષા થવી જરૂરી: નરેન્દ્ર મોદી
કોરોનાને નાથવા માટે દેશની જનતાએ સહયોગ આપ્યો છે, આપણી સફળતા લાપરવાહીમાં ન ફેરવાય તે જોવાની જવાબદારી સૌની છે
દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે રાજ્યોએ પોતાની રીતે વ્યૂહરચના ઘડવા તાકીદ કરી હતી. સાથો સાથ આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા પણ સુચના આપી હતી.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સાથે એક વિડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં ગાંધીનગરથી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથન, અથીક મુખ્ય સચિવ પંકજ કુમાર અને વરિષ્ઠ સચિવો આ કોન્ફરન્સમાં જોડાયા હતા. વડાપ્રધાને એવી તાકીદ કરી હતી કે, કોરોનાની બીજી લહેરને રોકવા માટે હવે આપણે સજાગ થવું પડશે અને તમામ રાજ્યોને આરટીપીસીઆર ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા માટે તાકીદ કરવામાં આવી હતી. સાવધાન રહો… ખોટો ડર ફેલાવવાની કોઈ જ જરૂર નથી. તેવો સંદેશો આપ્યો હતો. માસ્ક પહેરવાથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય છે પરંતુ હજુ સુધી અનેક રાજ્યોમાં માસ્કને ગંભીરતાથી લેવામાં આવતા નથી. દેશના 70 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ 150 ટકા જેટલું વધ્યું છે. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયગાળાથી આપણે કોરોના સામે લડી રહ્યાં છીએ જેમાં દેશની જનતાએ પુરો સહયોગ આપ્યો છે. હવે આપણા ગુડ ગવર્નન્સની કસોટીનો ખરો સમય આવ્યો છે.
તેઓએ આ વીડિયો કોન્ફરન્સમાં એવી તાકીદ કરી હતી કે, દવાઈ ભી… ઔર કડાઈ ભી… આ સુત્રને ચરિતાર્થ કરવું પડશે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં થતાં મૃત્યુનો દર ખુબજ ઓછો છે. ત્યારે હવે સાવધાની રાખવાની ખુબ આવશ્યકતા છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાની વેકસીનની બરબાદી થઈ રહી છે જેની સમીક્ષા થવી જોઈએ.બુધવારે યોજાયેલી બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છત્રીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ થઇ શકયા ન હતા. આ મુખ્યમંત્રીએ પોતાના પ્રતિનિધિઓ મોકવ્યા હતા.
બીજી-ત્રીજી કક્ષાના શહેરોમાં પણ વધી રહ્યા છે કેસ
વડાપ્રધાને જણાવ્યુ કે હવે બીજી અને ત્રીજી કક્ષાના શહેરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે જો તેને રોકવામાં નહીં આવે તો ગામડામાં કોરોના કેસ વધી શકે છે અને પછી કોરોના પર નિયંત્રણ કરવાનું મુશ્કેલ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને પાંચ મંત્ર આપ્યા
- – ‘દવા પણ અને કડકાઈ પણ’નું પાલન કરવું પડશે.
- – આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવું પડશે.
- – માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન બનાવવા પડશે
- – વેક્સિનેશન કરવા માટેના કેન્દ્રોની સંખ્યા વધારવી પડશે, ખાનગી ક્ષેત્રે પણ સુવિધા ઉભી કરવી પડશે.
- – વેક્સિનની અંતિમ તારીખ પણ ધ્યાનમાં રાખવી પડશે.