સમય મર્યાદા, સામાજીક અંતર જાળવવામાં બેદરકારી: કામ વગર આંટા મારનારા સામે પણ કાર્યવાહી
જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે સોશ્યલ ડીસ્ટન્સનો, સમયમર્યાદાનો ભંગ કરતા કુલ બાર વેપારી સામે ગુન્હા નોંધ્યા છે. કારણવગર આંટા મારતા પંદર શખ્સ ઝડપાયા છે અને ચાર પોલીસને જોઈને પલાયન થયા છે. ત્રણ વાહનચાલકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરાઈ છે.
જામનગરમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે વ્યા૫ારીઓને રાત્રીના આઠ વાગ્યા સુધી તેમની દુકાની ખુલી રાખવા અને વ્યાપારના સ્થળે સોશ્યલ ડીસ્ટન્સનો કડક અમલ કરાવવા સૂચના આપવામાં આવી હોવા છતાં તેનો ભંગ થતો હોય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નગરના નાનકપુરી વિસ્તારમાં ભુંગળા-બટેટાની રેકડી ચલાવતા દીપક છતારામ લાલવાણી, બર્ધન ચોક પાસે રાખડીનો ધંધો કરી વેપાર કરતા નીઝામ સલીમ ઘીવાળા તથા એમ.પી. શાહ ઉદ્યોગ નગરમાં ગાંધી સોડા શોપ ચલાવતા અકરમ હારૃનભાઈ ફકીર, ગુલાબનગરમાં ક્રિષ્ના કેટરર્સ નામની ફરસાણની દુકાન ચલાવતા જગદીશ વલ્લભભાઈ વાડોલીયા, વિરલ બાગ પાસે કમલેશ મોહનભાઈ નંદાએ શંકર વિજય પાન નામની દુકાને સોશ્યલ ડીસ્ટન્સ રખાવ્યું ન હતું જ્યારે કાલાવડના મોટા વડાળામાં દલપતભાઈ જેઠાભાઈ પટેલે પણ સૂચનાનો ભંગ કર્યો હતો. નગરના તળાવની પાળ વિસ્તારમાં રાજેન્દ્ર બાબુલાલ કછેટીયાએ પોતાનું પુષ્પક ગેરેજ સમયમર્યાદા પછી પૂર્ણ થયા પછી પણ ચાલુ રાખ્યું હતું. સુનિલ જેઠાનંદ ખીચડાએ પોતાની દુકાન મોડે સુધી ખુલી રાખી હતી. કાલાવડમાં અખ્તર કાદરભાઈ મેમણ, મોટીખાવડી નજીકના ગાગવાધારમાં ડાડુભાઈ ડોસાભાઈ કોળીએ પોતાની ગેલાઈ કૃપા પ્રોવિઝન નામની દુકાન અને દરેડ પાસે હનીફ હાજીભાઈ ખફી, સિક્કામાં હસમુખ રસીકલાલ જોશીએ સમયમર્યાદાનો ભંગ કરી દુકાનો ચાલુ રાખી હતી.
કાલાવડના મેઘપર પાસેથી નીકાવાનો ભરત ભગાભાઈ દાફડા, ધુંવાવ પાસેથી હરેશ અરવિંદભાઈ માઉ, મીહિર અરવિંદભાઈ ભદ્રા, ભાવેશ પ્રવિણભાઈ કટારમલ, ખોડીયાર કોલોની પાસેથી દીપક વિજયભાઈ કોળી, જામજોધપુરના અમરાપરમાંથી દિનેશ ખીમાભાઈ આહીર નામનો શખ્સ કારણવગર રખડતા ઝડપાઈ ગયો હતો જ્યારે તેની સાથે રહેલા રણજીત રામદેભાઈ ખુંટી, હનીફ કાસમ, રાજુ મેર, મનસુખ ભીખુભાઈ મેર, દુદાભાઈ ખીમાભાઈ મેર નામના ચાર શખ્સ પોલીસને જોઈને નાસી ગયા હતાં. તેમની શોધખોળ શરૃ કરાઈ છે. ખોડીયાર કોલોની પાસે ગઈકાલે સાંજે કારણવગર એકઠા થઈ આંટાફેરા કરતા અલ્પેશ ભુપેન્દ્રભાઈ જોશી, રવિન્દ્ર જેન્તિભાઈ મંડલી, ભીમજી પેથરાજ વણકર, પ્રેમજી રવજી જાદવ, યશ મુકેશભાઈ ત્રિવેદી, રમણીકલાલ વિરજીભાઈ યાદવ નામના છ શખ્સ, શેઠવડાળા પાસેથી સંદીપ રમેશભાઈ જોશી, સમાણામાંથી ગોરધન મોહનભાઈ પટેલ, કિશોર અંબાવી પટેલ નામના ત્રણ શખ્સ કારણવગર આંટા મારતા મળી આવ્યા હતાં. ધ્રોલમાંથી જાકીર ઈકબાલ શેખ અને સરફરાઝ રજાક પીંજારા, વિજય જીવણભાઈ આહીર નામના ત્રણ વાહનચાલક પોતાના વાહનમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થાય તે રીતે મુસાફર ભરતા ઝડપાઈ ગયા હતાં.
કોરોનાનો કહેર યથાવત વધુ એક વૃધ્ધનું મોત: જિલ્લામાં બે દિવસમાં કોરોનાના ૪૧ કેસ
હાલારમાં કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા બે દિવસમાં જામનગર જિલ્લાના ૪૧ પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે જામનગરના એક કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું.
જામનગરના પૂર્વ એસ.ડી.એમ. તેમજ ટાટા કંપનીના મેનેજર પણ કોરોના સંક્રમિત બન્યા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલાર ઉપર કોરોના રૃપી કાળ ભમી રહ્યો છે. દરરોજ નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. શનિવાર અને રવિવાર એમ બે દિવસમાં જામનગર જિલ્લામાં કુલ ૪૧ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારના ૩૦ અને ગ્રામ્ય વિસ્તારના ૧૧ કેસનો સમાવેશ થાય છે. જામનગરના પૂર્વ એસ.ડી.એમ. જેમની તાજેતરમાં જ બદલી થવા પામી હતી તેઓ હર્ષવર્ધનસિંહ સોલંકી પણ કોરોના સંક્રમિત બન્યા હોવાથી તેમની સઘન સારવાર શરૃ કરવામાં આવી છે, તો જામનગરના નાગરપરા વિસ્તારમાં રહેતા ઠાકરસીભાઈ કોટેચા (ઉ.વ. ૮૮) નું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આમ જામનગર જિલ્લામાં કુલ પોઝિટિવ આંક પ૪૩ નો થયો છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસમાં વધુ ૧૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં.