હોજ સે ગઇ બુંદ સે નહીં આતી
કિસાન સંઘની સાથે રહીને આજે હાર્દિકનું કલેકટરને આવેદન: કોંગ્રેસમાં વિવાદના એંધાણ
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કિસાનોના છે કે પછી કોંગ્રેસના તેવો પ્રશ્ન આજે ઉદ્દભવીત થવાનો છે. કારણકે હાર્દિક પટેલ હાલ સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે. તે દરમિયાન આજે તે કિસાનોના પ્રશ્ને કિસાન સંઘ સાથે મળીને આવેદન આપવા જવાનો છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસમાં વિવાદ સર્જાય તેવી પુરી શકયતા જોવા મળી રહી છે. એક સમયે પાટીદાર સમાજ માટે સરકાર સામે બાયો ચઢાવનાર હાર્દિક પટેલ આજે રાજકારણમાં પ્રવેશીને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની ખુરશી ઉપર બિરાજ્યો છે. ત્યારે કાર્યકારી પ્રમુખનું પદ મળતા જ તેને સૌરાષ્ટ્રને ધમરોળવાનું શરૂ કર્યું છે. જેમાં તે પ્રથમ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગયો હતો. ત્યારબાદ તે કેશોદ ગયો હતો.જ્યાં તેના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ત્યારબાદ તે જામનગર ગયો હતો.ત્યાં પણ તેને સન્માનવામાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતા.હાલની કોરોનાની મહામારીમાં બે સ્થળોએ નિયમોના ધજાગરા ઉદાડતો હાર્દિક પટેલ ચર્ચાનો વિષય બન્યો હતો. વધૂમાં હાર્દિક પટેલ આજ રોજ જિલ્લા કલેકટરને કિસાન સંઘ સાથે આવેદન પાઠવવાનો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ આવેદન મામલે કોંગ્રેસમાં તણખા ઝરે તેવી પ્રબળ શકયતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર કચેરીમાં આવેદન આપવા માટે માત્ર ૫ લોકોને જ પ્રવેશ મળતો હોય ત્યારે આ પ્રવેશને લઈને પણ વિવાદ સર્જાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખેડૂતનેતા પાલ આંબલિયાએ પણ કલેકટર કચેરીમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે પોલીસે તેને માર મારતા ભારે વિવાદ સર્જાયો હતો.