પૂ.હિરાબાઇ મ.સા.ની પાવન નિશ્રામાં

પ્રતિદિન સવારે 6.15 થી સાંજ 8.30 સુધી વિવિધ ધર્માનુષ્ઠાન ચાલશે

ગોંડલ સંપ્રદાયના પૂ.ડુંગર જશ ઝવેર સમય પ્રભા ગુરુવર્યોનાં પરમ કૃપાપાત્ર શાસન ચંદ્રિકા, તીર્થ સ્વરૂપા, દીર્ધ દીક્ષા પર્યાયધારી ગુરુણી મૈયા બા.બ્ર.પૂ. હિરાબાઈ મહાસતીજી, તત્વચિંતક બા.બ્ર.પૂ. જ્યોતિબાઈ મહાસતીજી, તત્વપ્રેમી બા.બ્ર.પૂ. જશુબાઈ મહાસતીજી, સેવારત્ના બા.બ્ર.પૂ. ઉષાબાઈ મહાસતીજી, દિર્ઘ તપસ્વીરત્ના અને પ્રવચન પ્રભાવક બા.બ્ર.પૂ. સ્મિતાબાઈ મહાસતીજી આદી સતી વૃંદ શ્રીસંઘની ભાવસભર વિનંતીનો સ્વીકાર કરી, શ્રીસંઘ પર અપાર વાત્સલ્યભાવ રાખી ગત તા.7-7-2022ના સરદારનગર ઉપાશ્રયે હજારો ભાવિકોની ઉપસ્થિતીમાં પ્રવેશ થયો જે અંતર્ગત ગત તા.6-7-2022નાં સંઘ પ્રમુખ હરેશભાઈ વોરાના નિવાસ સ્થાને એક દિવસની સ્થીરતા કરી સવારે તેમના નિવાસસ્થાને નવકાર મહાપ્રભાવક, ભકતામર સ્ત્રોત, ઉવસગ્ગહરં સ્ત્રોતના જાપ સંપન્ન થયા બાદ અતિ સુંદર નવકારશીનો લાભ હજારો ભાવિકોએ પ્રભાવના સાથે ગ્રહણ કર્યો અને ત્યારબાદ ત્યાંથી પૂ.ગુરૂણી ભગવંતો સાથે વિશાળ જનસમુદાયના જૈન શાસન, ભગવાન મહારવીનાં જય જયકાર સાથે કળશ, બેડા, આગમધારી સૌભાગ્યવતી બહેનો તથા ભાઈઓને કરકમલે જિનશાસન ધ્વજનાં શુકન સાથે નારાઓ ગૂંજવતા સરદારનગર ઉપાશ્રયે પધાર્યા, ઉપાશ્રયે ખીચોખીચ ભરાઈ જતા રસ્તા ઉપર ઉભા રહી ભાવિકોએ પૂ.ગુરૂણીશ્રીના પ્રવેશને ભાવથી વધાવ્યો.

પૂ. ડુંગર ગુરુગાદી ગામ ગોંડલ, પૂ. ઝવેર સમય પ્રભા ગુરુ સાધના ભૂમિ જામનગર, આદી અનેક ક્ષેત્રોમાંથી ભાવિકો બસ લઈને ઉપરાંત મસ્કત, દુબઈ, અમેરીકા, મલેશીયા, મુંબઈ આદી અનેક ક્ષેત્રોમાંથી ભાવિકો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. પૂ.ગુરૂણીની પ્રેરણાથી ખૂબ ધર્મધ્યાન થાય.સરદારનગર સંઘની ડ્રાયફ્રુટ બુંદી લાડુ, શ્રી ગુરુણી દેવશ્રીના સંસારી પરિવાર માતુશ્રી ગીરજાબેન જમનાદાસ દામાણી પરીવાર તરફથી ગોળની ભીલી, પૂ.સ્મીતાબાઈ મ. તથા ગુરુભકતો તરફથી રૂા.100ની પ્રભાવના, પૂ.હીરાબાઈ મ.નાં સંસારી ભત્રીજીઓ અલ્કાબેન પરીખ, મીરાબેન કોઠારી તરફથી રોકડ રકમ, પૂ. ગુરુભકત ડોલીબેન પારેખ તરફથી કેસરની ડબ્બી આમ સુંદર પ્રભાવનાઓ થયેલ. તા.10-7-2022નાં સુવર્ણ જયંતી, વર્ષના પ્રારંભે માં સ્વામીનાં અનન્ય ભકત અ.સૌ.બીનાબેન અજયભાઈ શેઠ તરફથી વિવિધ ગૌશાળા પાંજરાપોળમાં રૂા.1 કરોડ 11 લાખનું જીવદયા કાર્ય થયું. તા.14-7-2022ના ચોમાસી પાખી પર્વ, ગુરુપુર્ણીમાનાં પવિત્ર દિવસે ગુરુભકત અ.સૌ. જ્યોતિબેન તથા વિનુભાઈ શેઠ, અ.સૌ.છાયાબેન તથા શરદભાઈ બદાણીએ આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરી પોથી અર્પણ કરી, શ્રી સંઘમાં પૂ.ડુંગર ગુરુ, પૂ.સમય ગુરુણી પૂ. ગાદીપતિ ગુરુદેવ ગિરીશમુની મહારાજ તથા અમારા સૌરાષ્ટ્રનાં સિંહણ પૂ.ઈન્દુબાઈ મહાસતીજી, પ.પૂ.નંદાબાઈ મહાસતીજીનાં નામ ગુણ સ્મરણ સાથે પોલા અઠ્ઠમની આરાધના કરાવેલ છે. જેમાં ખૂબ સારી સંખ્યામાં ભાવિકો જોડાયા છે. તેઓને એકાસણા પૂ.સ્મીતાબાઈ મહાસતીજી સંસારી પરિવાર માતુ કમળાબેન શામળદાસ મહેતા પરિવાર તરફથી શાતાકારી એકાસણા કરાવેલ. અનેક ગુરૂભકતો તરફથી તપ અનુમોદના કરવામાં આવેલ છે. પ્રતિદિન સવારે 6.15 થી સાંજે 8.30 સુધી વિવિધ ધર્માનુષ્ઠાનો ચાલી રહ્યા છે. ભાવિકો ખૂબ ભાગ લઈ રહયા છે. તેમ સરદારનગર જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાની એક યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.