- તપાસ કરનાર બે મહિલા પોલીસ સબ-ઈન્સપેકટર વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ
- ખોટી કાલ્પનીક વાર્તા ઉભી કરી ફરીયાદ દાખલ કરાવેલ આરોપી તરફે ઉલટ તપાસ દ્વારા હકીકતો રેકર્ડ પર લાવવામાં આવેલી ,બચાવ પક્ષના એડવોકેટ તુષાર ગોકાણી
અબતક, રાજકોટ
આણંદપર શાળાના પ્રિન્સીપાલ (આચાર્ય) વિરૂધ્ધ શાળાની શિક્ષિકાએ કરેલ દુષ્કર્મ, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં કોર્ટે પ્રિન્સીપાલને નિર્દોષ ઠરાવી છોડી મુકાવા અને ખોટી ફરીયાદ કરવા બદલ ફરીયાદી શિક્ષિકાને ખર્ચ ચુકવવા તેમજ તપાસ કરનાર બન્ને પોલીસ સબ-ઈન્સપેકટર વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ 2015 માં આણંદપર(નવાગામ) પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રતુભાઈ રાયધનભાઈ ચાવડા (રહે. રાજકોટ) વિરૂધ્ધ તે શાળામાં જ ફરજ બજાવતી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી. કે આચાર્યએ વિકલાંગ ફરીયાદીને બદનામ કરી અને બદલી કરી અને ફરીયાદીના પતિ તથા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે શાળામાં તથા અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધી અને ફોનમાં પણ બિભત્સ વાતો કરી ધરાર સંબંધ રાખવા મજબુર કરતા હોવાની ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપીને અટક કરી તપાસ પુર્ણ કરી મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યું હતુ. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી પોતાના એડવોકેટ તુષાર ગોકાણી મારફત અદાલત સમક્ષ હાજર થયા હતા. આરોપીએ પોતાની સામેના તહોમતનો ઈન્કાર કરતા કેસ આગળ ચાલેલ હતો.ફરીયાદ પક્ષે આરોપી વિરૂધ્ધ કેસ સાબિત કરવા માટે ભોગ બનનાર ફરીયાદી, ફરીયાદીના પતિ, તબીબો, પંચો, પોલીસ અધિકારીઓ સહિતના સાક્ષીઓની જુબાની અદાલત સમક્ષ નોંધવામાં આવેલ હતી જયારે આરોપી તરફે ઉલટ તપાસ દ્વારા એવી હકીકતો રેકર્ડ પર લાવવામાં આવેલ કે ફરીયાદી જે તા.01/01/2014 ના રોજ પ્રથમ બનાવ બનેલ હોવાનુ જણાવે છે તે તારીખ કાલ્પનીક રીતે ઉભી કરવામાં આવેલ ઘટનામાં સરળતાથી યાદ રહી જાય તે માટે ગોઠવેલી તારીખ છે. ફરીયાદીના પતિ વકીલ છે પરંતુ પોલીસ અને અદાલત સમક્ષ પોતે કોઈ જ કામ ધંધો કરતા નથી તેવુ સોગંદ ઉપર ખોટુ જણાવેલ છે. ફરીયાદી તથા તેના પતિએ મલિન ઈરાદા સાથે ખોટી કાલ્પનીક વાર્તા ઉભી કરી ફરીયાદ દાખલ કરાવેલ છે. તેમજ ઉલટ તપાસ દરમ્યાન પુછવામાં આવતા સામાન્ય સવાલોમાં પણ જવાબ ન આપવા પડે તે માટે બીમારી સહિતના વિવિધ બહાનાઓ બનાવી ઉલટ તપાસ સળંગ ચાલવા દીધેલ નથી જેની પણ અદાલતે નોંધ લીધી છે. ફરીયાદી જે સમય દરમ્યાન બનાવ બનેલો હોવાનુ જણાવે છે તે સમય બાદ ફરીયાદી આરોપીના પુત્રના લગ્નમાં હાજર હોવાના ફોટોગ્રાફસ રજુ કરવામાં આવેલ જેથી પણ ફરીયાદીની ફરીયાદ ખોટી હોવાનું ઉલટ તપાસ દ્વારા રેકર્ડ પર આવેલ.
ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ કોલ ડીટેઈલ રેકર્ડ જોતા ફરીયાદી દ્વારા અદાલત સમક્ષ સોગંદ ઉપર જે હકીકતો અને સમય દર્શાવવામાં આવેલ છે તે હકીકતો અને સમય કોલ ડીટેઈલ પરથી જ ખોટા ઠરે છે. ડોકટર દ્વારા તા.15/08/15 ના રોજ ફરીયાદીને ચકાસી તબીબી અભિપ્રાય આપવામાં આવેલ હતો જે અભિપ્રાયમાં સોનોગ્રાફી રીપોર્ટનો ઉલ્લેખ કરાયેલ હતો જે રીપોર્ટ પ્રોસીકયુશન દ્વારા જુબાનીમાં સંતાડવામાં આવેલ હતો પરંતુ ઉલટ તપાસ દરમ્યાન તબીબ પાસેથી સોનોગ્રાફી રીપોર્ટ રજુ કરાવતા તે રીપોર્ટમાં તા.16/08/15 ના રોજ સોનોગ્રાફી થયેલ હોવાનો ઉલ્લેખ હતો એટલે કે તા.15/08/15 ના રોજ તબીબ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય ઉભો કરાયેલ હોવાનુ સાબિત કરેલ હતુ. પ્રોસીકયુશન દ્વારા કેસમાં તપાસ કરનાર અમલદાર તરીકે તત્કાલીન પી.એસ.આઈ. શિલ્પા એમ. ચૌધરી તથા પી.એસ.આઈ. હંસાબા ડી. સોલંકીની જુબાની નોંધવામાં આવેલ હતી જેમની આરોપી તરફે ઉલટ તપાસ કરવામાં આવેલ જે ઉલટ તપાસમાં પી.એસ.આઈ. દ્વારા એવુ કબુલ કરવામાં આવેલ કે તપાસ દરમ્યાન ફરીયાદીના કેસને સમર્થન કરતા કોઈ સ્વતંત્ર પુરાવો તેઓને મળી આવેલ નહી
તમામ કાયદાકીય કાર્યવાહીના અંતે અદાલત દ્વારા દિવસો સુધી બન્ને પક્ષકારોની લંબાણપુર્વકની દલીલો સાંભળવામાં આવેલી ફરીયાદી દ્વારા જુબાનીમાં જણાવવામાં આવેલ છે ત્યારે આવા માથાભારે વ્યકિત વિરૂધ્ધ વિકલાંગ પતિ અને સગીર બાળક ધરાવતી સ્ત્રી ફરીયાદ કરવાની હિંમત કરે અને ફરીયાદમાં જે હકીકત આરોપીને આજીવન કેદની સજા કરવા દલીલો કરવામાં આવેલ હતી.
જયારે આરોપી તરફે તુષાર ગોકાણી દ્વારા એવી દલીલો કરાયેલી કે ફરીયાદી પોતે સ્ત્રી અને શારિરિક અસક્ષમ હોવા માત્રથી તે સત્ય બોલે છે તેવુ માની શકાય નહીં. કાલ્પનીક ઘટનાના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ જયારે સોગંદ ઉપર જુબાનીમાં કબુલ કરતા હોય કે તેઓ પાસે ફરીયાદીના આક્ષેપોને સમર્થનકર્તા કોઈ જ પુરાવા મળી આવેલ નથી તેવા કિસ્સામાં આરોપીને સંપુર્ણપણે નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ તેવી એડવોકેટ તુષાર ગોકાણી દ્વારા સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ સાથે રજુઆત કરવામાં આવી હતી. તમામ પક્ષકારોની વિસ્તૃત દલીલો તેમજ રેકર્ડ પરના પુરાવાના આધારે રાજકોટના અધિક જિલ્લા ન્યાયાધીશ જે. ડી. સુથારે આરોપીને આક્ષેપિત તમામ ગુનાઓમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરી એક દાયકા સુધી ચાલેલ કાનુની જંગના અંતે અદાલતે ફરીયાદીને વળતર ચુકવવા અને ન ચુકવે તો કેદની સજા તેમજ તપાસ કરનાર બન્ને પી.એસ.આઈ. વિરૂધ્ધ રાજકોટ પોલીસ કમિશ્નરે જાતે ખાતાકીય તપાસ કરી તે તપાસનો રીપોર્ટ અદાલતન સમક્ષ રજુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી રતુભાઈ ચાવડા વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશિક અને ભુમિકા નંદાણી રોકાયા હતા.