- રૈયાધાર, રૈયાગામ, કીટીપરા બજરંગવાડી, છોટુનગર મફતિયાપરા, ઘંટેશ્વર 25 વારીયામાં ત્રાટકી દારૂ સહિતના 85 કેસો કરાયા
સ્લમ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂના હાટડા સહીતની ગેરકાયદે પ્રવૃતિઓ ધમધમતી હોય છે ત્યારે શહેર પોલીસના પશ્ચિમ ઝોનના એસીપી રાધિકા ભારાઈની આગેવાની હેઠળ અલગ અલગ પોલીસની ટીમોએ રૈયાધાર, રૈયાગામ, કીટીપરા બજરંગવાડી, છોટુનગર મફતિયાપરા, ઘંટેશ્વર 25 વારીયામાં ત્રાટકી 85 જેટલાં કેસો કર્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-2) જગદીશ બાંગરવા સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર (પશ્ચિમ વિભાગ) રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ ઝોનના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુ તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સૂચના આપવામાં આવેલ હતી. જેના અનુંસંધાને એલ.સી.બી. ઝોન-2 તથા પ્રદયુમનનગર, ગાંધીગ્રામ, ગાંધીગ્રામ-2 (યુનિ.), તાલુકા, એ ડીવીઝન, માલવીયા પોલિસ સ્ટેશનના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી રૈયાધાર, રૈયાગામ, કીટીપરા બજરંગવાડી, છોટુનગર મફતિયાપરા, ઘંટેશ્વર 25 વારીયા જેવા વિસ્તારોમાં પ્રોહીબીશન તેમજ અન્ય ગેરકારયદેસરની પ્રવૃતિઓ અટકાવા અંગેની સ્પેશિયલ કોમ્બીંગનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું.
જે કાર્યવાહીમાં દેશી દારૂના 18 કેસો કરોને 111 લિટર દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉપરાંત અંગ્રેજી દારૂના બે કેસો, જીપી એક્ટના બે કેસો, એમ વી એક્ટનો એક કેસ, 62 એનસી કેસો કરવામાં આવ્યા હતા. જયારે પાંચ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં: નિયમ ભંગ કરનારા 278 શખ્સોને દંડ, ત્રણ પીધેલા ઝડપાયા
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે ટ્રાફિક પોલીસે પણ સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. જેના પગલે ગત 17મી ડિસેમ્બરના રોજ એસીપી ટ્રાફિક જે બી ગઢવીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીઆઈની અલગ અલગ ટીમોએ ટ્રાફિક નિયમ ભંગ કરી વાહન ચલાવતા તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, ગુંદાવાડી પોલીસ ચોકી, કોસ્મો ચોક, કોટેચા ચોક, કિશાનપરા સર્કલ, ઘંટેશ્વર ટી પોઇન્ટ ખાતે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા ડ્રાઇવ દરમ્યાન બ્રેથ એનેલાઇઝર સાથે રાખી નિયમ ભંગ કરી વાહન ચલાવનાર વિરૂધ્ધ 278 કેસો કરી કુલ દંડ રૂ.1,32,100 કરવામાં આવેલ હતો તેમજ કુલ 141 વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ શખ્સો પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.