યુનિર્વસિટી રોડ પર સિધ્ધાર્થ કોમ્પ્લેક્ષ પાસે ઇન્ડિયન બેન્કના એટીએમ ગેસ કટ્ટરથી તોડી રૂા.૮૦ હજારનું નુકસાન કર્યાનો નોંધાતો ગુનો
શહેરમાં છેલ્લા બે માસમાં જુદા જુદા વિસ્તારમાં એટીએમ મશીનને ગેસ કટ્ટરથી તોડી રોકડ રકમ ચોરવાના પ્રયાસ બનતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો અને સીસીટીવી ફુટેજ મેળવી મોડીરાતે એટીએમ પાસે પેટ્રોલિંગ શરૂ કરતા મોરબી રોડ પર મારવાડી યુનિર્વસિટી નજીક આવેલા એટીએમ તોડતા બે શખ્સોને રંગેહાથ કુવાડવા પોલીસે ઝડપી લીધા બાદ તેને યુનિર્વસિટી રોડ પર સિધ્ધાર્થ કોમ્પ્લેક્ષ પાસે ઇન્ડિયન બેન્કના એટીએમ તોડી રૂા.૮૦ હજારનું નુકસાન કર્યાનું બહાર આવતા બંને શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે.
મારવાડી યુનિર્વસિટીની દિવાલ પાસે આવેલા બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ બે શખ્સો ગેસ કટ્ટરથી તોડી રહ્યાની બાતમીના આધારે કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.આર.પરમાર, પી.એસ.આઇ. એમ.કે.ઝાલા, હેડ કોન્સ્ટેબલ એચ.એચ.પરમાર, બી.ડી.ભરવાડ, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ જાડેજા, અજીતભાઇ લોખિલ અને હરેશભાઇ સારડીયા સહિતના સ્ટાફ મારવાડી યુનિર્વસિટી ખાતે દોડી ગયો હતો.
પોલીસ સ્ટાફ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડી રહ્યા પોપટપરાના ધનજી ઉર્ફે ધનો દેવજીભાઇ દેગામા અને તેના પોડોશી રાહીલ દોસમામદ કટીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સો પાસેથી ઓટો રિક્ષા, ગેસનો બાટલો, કુહાડી, કોસ, લાઇટર, પક્કડ, લોખંડનું પાનું, અને મોબાઇલ મળી રૂા.૧.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન ધનજી દેગામાં ફેબ્રીકેશનનું અને રાહીલ કટ્ટીયા રિક્ષા ચાલક હોવાથી બંનેએ સાથે મળી ગેસ કટ્ટરથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાનો પ્લાન બનાવ્યોની કબુલાત આપી છે. બંને શખ્સોની એસીપી એસ.આર.ટંડેલ સહિતના સ્ટાફે પૂછપરછ કરતા તેઓએ ૧૮ દિવસ પહેલાં બજરંગવાડી, ત્યાર બાદ ઇન્દિરા સર્કલ ક્રિષ્ના હોસ્પિટલ પાસે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ એટીએમમાંથી રોકડ મળી ન હોવાથી મારવાડી યુનિર્વસિટી ખાતે એટીએમ તોડવા ગયા હતા.
ધનજી ઉર્ફે ધનો ફેબ્રીકેશનનો જાણકાર હોવાથી તેની પાસે ગેસ કટ્ટર હતુ જ્યારે રાહીલ રિક્ષા ચાલક હોવાથી તેની રિક્ષામાં એટીએમ તોડવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સિક્યુરીટી ન હોય તેવા એટીએમ તોડતા પહેલાં બંને શખ્સો પોતાના ચહેરા પર રૂમાલ બાંધી લેતા હોવાથી સીસીટીવી ફુટેજ મળ્યા ન હતા પણ મારવાડી યુનિર્વસિટી પાસેના એટીએમ તોડતા હતા ત્યારે જ પોલીસને જાણ થતાં બંને શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સોને કોર્ટમાં રજુ કરતા અદાલતે જેલ હવાલે કરવા હુકમ કરતા બંને શખ્સોનો ગાંધીગ્રામ અને યુનિર્વસિટી પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવવા કાર્યવાહી હાથધરી છે.