કામ વિના કચેરીઓમાં આંટા મારતા શિક્ષકો સામે કાર્યવાહીનો આદેશ: શિક્ષણ વિભાગની લાલ આંખ
રાજયની સ્કૂલોમાં શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં શિક્ષકો દ્વારા નિયમનું પાલન કરવામાં આવતું ન હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના શિક્ષકો નિયમ મુજબ આચાર્ય પાસે મોબાઈલ ફોન જમા કરાવવાના બદલે કલાસ રૂમમાં લઈ જતા હોય છે.
આ અંગે શિક્ષણ વિભાગનું પણ ધ્યાન જતાં વિભાગ દ્વારા મોબાઈલના મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં હવે કોઈ શિક્ષક વર્ગખંડમાં મોબાઈલ ફોન લઈને આવ્યો હોય તો કડક સજા કરવામાં આવશે જ પરંતુ સાથોસાથ સ્કુલના આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ માત્ર શિક્ષકો સામે જ કાર્યવાહી કરવાની સુચનાથી આચાર્યો આ નિયમ પ્રત્યે બેદરકાર ગણાતા હતા પરંતુ હવે આચાર્યોને પણ સજા કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તેના અમલને લઈને લાલીયાવાડીને જોતા શિક્ષણ વિભાગ દ્વારા પરીપત્ર કરી શિક્ષકો માટેના નિયમો અંગે ફરીવાર તાકીદ કરવામાં આવી છે.
જેમાં કેટલાક નવા નિયમો પણ અમલમાં મુકવામાં આવ્યા છે.પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને વર્ગખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે.અગાઉ પણ આ પ્રતિબંધ મુદ્દે અનેકવાર સુચનાઓ આપવામાં આવી છે અને આ વખતે ફરીવાર પરીપત્ર દ્વારા શિક્ષકોને વર્ગખંડમાં જતા પહેલા સ્કૂલના આચાર્ય પાસે મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે તેવી કડક સુચના આપવામાં આવી છે અને તેનું ચુસ્ત પાલન થાય તેની જવાબદારી પણ આચાર્યને આપવામાં આવી છે.
અન્ય સુચનાઓમાં રાજયની પ્રાથમિક સ્કુલો કે સરકારી બિલ્ડીંગ અને મેદાનનો ઉપયોગ શૈક્ષણિક હેતુ સિવાય કરવાનો રહેશે નહીં. ઘણી વખત સ્કુલ કે તેના મેદાનમાં બિનશૈક્ષણિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સુચનાઓ આપવામાં આવી છે. મંજુરી વગર આવા કાર્યક્રષો યોજી શકાશે નહીં અને પ્રાથમિક શિક્ષકો જિલ્લા પંચાયત ખાતે તથા અન્ય કચેરીઓમાં વગેરે કામથી આટા મારતા પણ જોવા મળે છે.જેથી કામ વગર જિલ્લા પંચાયત કચેરીમાં આવતા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.વહીવટી કામગીરીમાં શિક્ષકોને નહીં બોલાવાય
પ્રાથમિક શિક્ષકોને તાલુકા તથા જિલ્લાકક્ષાની કચેરીઓમાં વહિવટી કામગીરી માટે બોલાવાતા હોય છે. આવી કામગીરીમાં જતા શિક્ષકોને ભણાવવામાંથી મુકિત મળતી હોય છે અને તેઓ અધિકારીઓને નજીક જઈ શકતા હોવાથી આવી કામગીરી શિક્ષક હર્ષભેર સ્વિકારે છે. જોકે વહિવટી કામગીરીમાં શિક્ષકો જતા હોવાથી શિક્ષણ પર ગંભીર અસર પડતી હોય. શિક્ષણ વિભાગ દ્વારા વહિવટી કામગીરી માટે શિક્ષકોને ન બોલાવવા માટે આદેશ કરાયો છે. જો જરૂર પડે તો અનિવાર્ય સંજોગોમાં એચ.ટાટ આચાર્ય પાસે વધારાની કામગીરી લેવા માટે સુચન કરવામાં આવ્યું છે.