સંતુલિત વિકાસ અને સ્વસ્થ સમાજ માટે મૂલ્ય આધારિત શિક્ષણ જરૂરી છે – આચાર્ય લોકેશજી
અબતક,રાજકોટ
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી દિલ્હીમાં ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહજીને મળ્યા હતા અને રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને અહિંસા વિશ્વ ભારતી દ્વારા દેશ-વિદેશમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમો વિશે તેમને માહિતી આપી હતી. આ સાથે આચાર્ય લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી સંસ્થા હેઠળ સ્થપાઈ રહેલા વર્લ્ડ પીસ સેન્ટરની પુસ્તિકા પણ રાજ્યપાલ ગુરમિત સિંહને અર્પણ કરી હતી.પ્રસિદ્ધ જૈનાચાર્ય આચાર્ય ડો.લોકેશજીએ રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સમાજના સમતોલ વિકાસ માટે મૂલ્ય આધારિત શિક્ષણ જરૂરી છે. વર્તમાન સમયમાં જ્યારે વિશ્વની વસ્તી અને ખાસ કરીને યુવા વર્ગ ડિજિટલ ઉપકરણો સાથે જોડાઈ રહ્યો છે ત્યારે શિક્ષણ પ્રણાલીમાં બદલાવ લાવવાની જરૂર છે.શિક્ષણ પ્રણાલીએ સંસ્કૃતિ ઘડતર પર ધ્યાન આપવું જોઈએ અને શાંતિ શિક્ષણને શિક્ષણ પ્રણાલીનો એક ભાગ બનાવવો જોઈએ.
આચાર્યજીએ જણાવ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ લોકોને જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં મૂલ્ય આધારિત શિક્ષણ આપવામાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે.ઉત્તરાખંડના રાજ્યપાલ લે. જનરલ ગુરમીત સિંહે કહ્યું કે, સમાજ અને રાષ્ટ્રની સુરક્ષા અને નિર્માણમાં સૈન્ય પક્ષો અને સામાજિક સંગઠનોએ આપેલા યોગદાનની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તેમણે કહ્યું કે, આપણે બધાને આપણા સૈનિકો અને ભારતીય સેના પ્રત્યે પ્રેમ, આદર અને પ્રશંસા છે. રાજ્યપાલે વધુમાં કહ્યું કે રાષ્ટ્રની સેવા અને દેશભક્તિ એ ભારતના દરેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ. દેશના નાગરિકોમાં દેશભક્તિ કેળવવા માટે પ્રાથમિક શિક્ષણમાં લશ્કરી તાલીમની જરૂર છે.