હજારો ભક્તોએ શિખરજી, ગિરનારજી, શત્રુંજયની પવિત્રતા અને સલામતી માટે આંદોલન ચાલુ રાખવા શપથ લીધા

જૈન તીર્થસ્થાનોની પવિત્રતા અને સલામતી તેમજ અખંડિતતા માટે મુંબઈના આઝાદ મેદાન ખાતે જૈન આચાર્યો સાથે લાખો ભક્તો એકઠા થયા હતા. અહિંસક અને શાંતિપ્રેમી જૈન સમાજના લાખો ભક્તોએ શિખરજી, ગિરનારજી અને શત્રુંજયની પવિત્રતા અને સલામતી માટે આંદોલન ચાલુ રાખવાના શપથ લીધા હતા. આ પહેલા મુંબઈના રસ્તાઓ પર નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સાથે ભક્તોએ ભાગ લીધો હતો. યુવાનોએ ભીડ માટેની વ્યવસ્થા સંભાળી હતી. જૈન એકતાનો આવો નજારો પ્રથમવાર જોવા મળ્યો હતો. દિગંબર શ્વેતામ્બરો બધા એક સાથે આંદોલન માટે જોડાયા હતા.

વિશ્વ વિખ્યાત શાંતિ દૂત આચાર્ય લોકેશજીને દિલ્હીથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આચાર્યશ્રી સંયુક્ત રાષ્ટ્ર સહિત વૈશ્વિક મંચો દ્વારા જૈન ધર્મનો સંદેશો વિશ્વ સુધી પહોંચાડે છે. આઝાદ મેદાન ખાતેથી આચાર્ય લોકેશજીએ જૈન તીર્થધામોની પવિત્રતા અને અખંડિતતા માટે સરકારને જણાવ્યું હતું કે તીર્થધામોની પવિત્રતા અને અખંડિતતાને તોડવાનો કોઈપણ પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર માટે પણ અહિંસક અને શાંતિપ્રિય જૈન સમુદાયની કાયદેસરની માંગણીઓ સ્વીકારવી સારી બાબત છે, જે ટેક્સ અને લોક કલ્યાણના કાર્યોમાં પણ હંમેશા આગળ રહે છે.

આચાર્ય લોકેશે સરકારને સમ્મેદશિખરજી, ગિરનારજી અને શત્રુંજયજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા અને તેમની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા ભારપૂર્વક અપીલ કરી હતી. આચાર્ય નયપદ્મસાગરજીએ સરકારને વિનંતી કરી હતી કે, પાલિતાણા, સમેદશિખરજીને પવિત્ર યાત્રાધામ વિસ્તાર જાહેર કરે અને 10 કિલોમીટરના વિસ્તારમાં માંસ-દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકે. આચાર્ય પ્રમણ સાગરજી અને માતાજીએ જણાવ્યું હતું કે સમેદ શિખરજી શાશ્વત તીર્થ છે, જો આ પવિત્ર સ્થળની પવિત્રતા ભંગ થશે તો તેઓ અન્ન-જળનો ત્યાગ કરશે.

આ પ્રસંગે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર જૈન સમુદાયની લાગણી કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકાર સુધી પહોંચાડશે. આ મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા સંજય જૈનજી જણાવ્યું હતું કે સરકારની વિનંતી પર અમે 15 દિવસનો સમય આપ્યો છે, જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. સકલ જૈન સમાજ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારત જૈન મહામંડળના પ્રમુખ રાકેશ મહેતા, જીટોના પ્રમુખ અભય શ્રીમલ અને જૈન દિગંબર સમાજના પ્રમુખે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે કવિયત્રી અનામિકા જૈન અંબાર, ગાયક વિકી મહેતાએ કવિતા અને ગીતો રજૂ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.