રાજકોટમાં વર્ષ 2009માં રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટું નામ ધરાવતા અને ફિલ્મ નિર્માતા ડાયાભાઇ કોટેચા હત્યા કેસમાં આરોપી શૈલૈન્દ્રસિંહ બચુભા જાડેજાની આજીવન કેદની સજા હાઇકોર્ટે કાયમ રાખી છે. રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 2014માં આજીવન કેદની સજા ફટકારતા આરોપીએ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચમાં કરી હતી અપીલ કરી હતી. ડાયાભાઇના પરિવાર વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી અને રિપનભાઈ ગોકાણી રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે બિલ્ડર ડાયાભાઇ કોટેચાની હત્યા બાદ રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં હલચલ મચી ગઈ હતી અને માફિયાગીરી સામે એકથઇને બિલ્ડરોએ અવાજ ઉઠાવ્યો હતો.
શું હતો સમગ્ર કેસ ?
રંગીલા રાજકોટમાં જમીન મકાનના ધંધામાં જાણીતા ડાયાભાઇ કોટેચા અને આણંદપર ગામના રહેવાસી શૈલેન્દ્રસિંહ બચુભા જાડેજા વચ્ચે આણંદપરની સર્વે નંબર 441ની જમીનને લઇને વિવાદ ચાલતો હતો. આ દરમિયાન તારીખ 25/03/2009ના સાંજના સમયે ડાયાભાઇની ફુલછાબ ચોકમાં સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાં શૈલેન્દ્રસિંહ બચુભા જાડેજાએ છરીના આડેધડ ઘા માર્યા હતા જેમાં ડાયાભાઇનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આણંદપરની સર્વે નંબર 441ની જમીન સંદર્ભે શૈલેન્દ્રસિંહ અને ડાયાભાઇ વચ્ચે કાલાવડની સિવિલ કોર્ટમાં તકરાર પણ ચાલુ હતી. તથા ડાયાભાઇએ શૈલેન્દ્રસિંહ અને તેના પરિવારજનો દ્વારા હેરાનગતી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદ પણ નોંધાવી હતી. આ વાતનો ખાર રાખી શૈલેન્દ્રસિંહ જાડેજા તારીખ 25/03/2009ના સાંજના સમયે જમીન વિવાદનું સમાધાન કરવાના બહાને ડાયાભાઇની ઓફિસે આવ્યો હતો અને અહીં ડાયાભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેમનું મોત થયું હતું.
આ કેસમાં રાજકોટના અધિક સેશન્સ જજ શ્રીમતી એન.એન.અંજારીયા મેડમે આરોપીને ખુન કરવા અને પુરાવાનો નાશ કરવા સહિતની ઇ.પી.કો કલમ-302, 450, 201, 188 સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા તથા દંડનો હુકમ કર્યો હતો. સેશન્સ કોર્ટના ચૂકાદાને આરોપી દ્વારા ગુજરાત હાઇકોર્ટની બે જજોની ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જો કે તમામ પક્ષકારોની દલીલોના અંતે હાઇકોર્ટ જસ્ટીસ એ.જે. દેસાઇ અને એ.એસ સુપૈયાની ખંડપીઠે આરોપીની અપીલ નામંજુર કરી હતી અને ડાયાભાઇ કોટેચા હત્યા કેસમાં આરોપી શૈલૈન્દ્રસિંહ બચુભા જાડેજાની આજીવન કેદની સજા હાઇકોર્ટે કાયમ રાખી છે.