કારખાનેદારે યુવાનને બાંધી પટ્ટા વડે માર માર્યો’તો: ફોરેન્સિક પીએમ બાદ હત્યાનો ગુનો નોંધવા તજવીજ
શાપર – વેરાવળ પાસે પડવલા રોડ પર આવેલા યોગી કવાટ્સ કારખાનામાં ત્રણ દિવસ પહેલા શ્રમિક યુવાનને માલિકે ચોરી કર્યાની શંકાએ બાંધીને માર મારતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગત રાતે તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.7મી મેના રોજ કોટડાસાંગાણીમાં રહેતા અને મજૂરી કામ કરી રોટિયું રડતા મહેશકુમાર આહિરવાર નામના 44 વર્ષના આધેડે શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેમના 19 વર્ષનો પુત્ર સોનું બે માસથી પડવલામાં આવેલા જે.પી. કોટિંગ કારખાનામાં કલર કામ માટે રહ્યો હતો.
જ્યાં ગત મંગળવારના રોજ કારખાનાના માલિક વિજય પટેલે શ્રમિક સોનું પર રૂ.5 હજારની ચોરી કર્યાનો આરોપ નાખી યુવાનને બાંધીને પટ્ટા વડે માર માર્યો હતો. આ અંગે જાણ થતાં સોનુની માતા જાનકીબેન અને પિતા મહેશભાઈ કારખાને પહોંચી પોતાના પુત્રને છોડવા માટે આજીજીઓ કરી હતી. પરંતુ તેમ છતાં કારખાનેદારે તેમ છતાં સોનુને ત્રણથી ચાર કલાક ગોંધી રાખી બેફામ પટ્ટા વડે માર મારવાનુ ચાલુ રાખ્યું હતું.
ત્યાર બાદ યુવાનને છોડતા તેના માતા – પિતા સોનુને લઈ સીધા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનને સારવારમાં દમ તોડયો હતો. જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તજવીજ હાથધરી હતી. યુવાનનું મોત કેવી રીતે થયું તે જાણ્યા બાદ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરશે.
આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મારામારી બાદ ફરિયાદ લેવા ગયેલા તે દરમિયાન શ્રમિક પરિવાર અને કારખાનેદાર વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પરંતુ અચાનક જ યુવાને સારવારમાં દમ તોડતા તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલને આગળની તપાસ સોંપવામાં આવી છે.