પ્રેમ પ્રકરણના કારણે ચાર વર્ષ પહેલાં યુવાનની ગળુ કાપી હત્યા કરી’તી
માનસિક બીમારીના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યાની શંકા: કેદી ભાનમાં
આવ્યા બાદ શા માટે આપઘાતનો પ્રયાસ કર્યાની વિગતો બહાર આવશે કેદી પાસે ગળેફાંસો ખાવા લેંઘાની નાડી કયાંથી આવી?
જેલમાં કેદીઓના થતા શંકાસ્પદ મોત અંગે અવાર નવાર એસડીએમ દ્વારા તપાસ થતી હોવાથી જેલ તંત્ર દ્વારા કોઇ કેદી આપઘાત ન કરે તેની પુરી તકેદારી રાખવામાં આવી રહી છે તેમ છતાં બેરેક નંબર ૩માં ખૂનના ગુનામાં સજા ભોગવતા આરોપીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
કેદીએ શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો? તેની પાસે ગળાફાંસો ખાવા માટે દોરી કયાંથી આવી સહિતના મુદે તપાસ હાથધરવામાં આવી છે ત્યારે જેલમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી ફુટેજની મદદથી ઘણી વિગતો સ્પષ્ટ બની છે. આમ છતાં પ્ર.નગર પોલીસ દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
ચારેક વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણના કારણે કણકોટના પાટીયા પાસે બે સંતાનના પિતાનું અપહરણ કરી ગળુ કાપી કરેલી હત્યાના ગુનામાં લોઘેશ્ર્વર સોસાયટીના કિશન દિલીપભાઇ ગટીયા અને તેના ભાઇ કાનાએ હત્યા કરતા બંને ભાઇઓને અદાલતે સજા ફટકારી છે.
હત્યાના ગુનામાં સજા ભોગવતા કિશન ગટીયાએ ગઇકાલે બેરેક નંબર ૩ના બાથરૂમમાં લેંઘાના નાળાથી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા જેલના અન્ય કેદીઓની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. કિશન ગટીયાએ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તે ભાનમાં આવ્યા બાદ જ વિગતો સ્પષ્ટ બને તેમ છે.
હત્યાના ગુનામાં સજા ભોગવતા કિશન ગટીયા અને કાનો ગટીયાને જેલના અન્ય કેદીઓ સાથે અવાર નવાર માથાકૂટ થતી હોવાથી કાના ગટીયાને દસેક માસ પહેલાં રાજકોટ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
કિશન ગટીયા લાંબા સમયથી માનસિક બીમાર હોવાથી તેને ખાનગી કપડા પહેરવાની છુટ આપવામાં આવી હતી. બેરેક નંબર ૩માં ૨૩ જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે તે તમામની માનસિક બીમારીની દવા ચાલે છે. ગઇકાલે કિશન ગટીયા બેરેક નંબર ૩ના બાથરૂમમાં એકલો જતો હોવાના સીસીટીવી ફુટેજ જોવા મળ્યા હતા તેમજ તેને જેલનો નહી પરંતુ નાળીવાળો લેંઘો પહેર્યો હોવાનું જોવા મળે છે.
તેમજ તેને બચાવવા ગયેલા અન્ય કેદીઓએ પણ બાથરૂમમાં અન્ય કોઇ ન હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આમ છતાં જેલના નિયમ મુજબ ઘટના સ્થળનું વીડિયો શુટીંગ કરાવવામાં આવ્યું છે.